બટાકાનાં પાંદડા ખાઈ જતાં 20 ગાયનાં મોત, અન્ય 40ને અસર
પુણે પાસેના નિરગુડસર ગામમાં અરેરાટી
સંખ્યાબંધ ગાયોની ગંભીર હાલત હોવાથી જીવ જોખમમાં, પંચનામું કરાયું
મુંબઈ : પુણેના આંબેગાવ તાલુકાના નિરગુડસરમાં બટાટાના પાકના પાંદડા ખાઈ જતાં ૨૦ ગાયોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. તેમાં ૧૬ ગાયો અને ચાર વાછરડાંનો સમાવેશ છે. તેમજ ૩૦ થી ૪૦ ગાયને વિષબાધા થઈ છે. આ ઘટનાથી આંબેગાવ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સંબંધિત વ્યક્તિનું ૫૦ થી ૬૦ લાખના નુકશાનનો અંદાજ છે.
પ્રાપ્ત માહિતીનુસાર, આંબેગાવ તાલુકાના નિરગુડસરની હદ્દમાં રાજસ્થાનથી આવેલા લાલ ગાય વાળા અનેક વર્ષોથી રહે છે. તેમની પાસે આશરે ૧૫૦ ગાયો અને વાછરડાં છે. તેઓ જીવનનિર્વાહ માટે લાલ ગાય પાળે છે અને દુગ્ધ વ્યવસાય અને છાણા વેંચી જીવન જીવે છે.
આ પરિસરના વિસ્તારમાં ફ્લાવરના પાંદડા, બટાકાના પાંદડા, કાંદાના પાક તેમજ ખેડૂતોએ ખેતરમાં મૂકી દીધેલાં શાકભાજી ખવડાવવા ગાયોને અહીં લાવવામાં આવે છે.બે દિવસ પહેલાં ત્રણ ભરવાડો અહીં આ ગાયો ચારવા આવ્યા હતા. ત્યારે ગાયોએ બટાકાના કાપીને બાજુમાં મૂકેલાં પાંદડા ખાધા બાદ તેમને વિષબાધા થઈ હતી. તેમાંની ૨૦ ગાયો મૃત્યુ પામી ચૂકી છે અને હજી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પ્રાણીઓના ડૉક્ટર દ્વારા ગાયોની સારવાર ચાલી રહી છે. દરમ્યાન ગામના તલાટીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કર્યું હતું.