મુંબઈથી સિંધુદુર્ગ સુધીના સાગરકાંઠે પેટ્રોલિંગ માટે 20 બોટ વસાવાશે
૨૬/૧૧ ના હુમલા પછી પણ સાગરી સુરક્ષામાં છીંડા
એક બોટ માનવરહિત હશેઃ અત્યારે માત્ર પાંચ જૂની પુરાણી બોટથી પોલીસે દરિયામાં પહેરો ભરવો પડે છ
મુંબઈ - દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની ખોફનાક ઘટનાને દોઢ દાયકાથી વધુ સમય વિત્યા છતાં હજી પણ સાગરી સુરક્ષા વ્યવસ્થા રામભરોસે જ હોય એવું લાગે છૅે. આ વાસ્તવિક સ્થિતિની નોંધ લઈ રાજ્યના ફિશરીઝ વિભાગે એક અનમેન્ડ (માનવરહિત) બોટ અને ૨૦ આધુનિક પેટ્રોલિંગ બોટ માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલ્યો છે.
અત્યારે મુંબઈ,થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ આ પાંચ મહત્ત્વના વિસ્તારોના વિશાળ સાગર કિનારે પહેરેદારી કરવા માટે માત્ર પાંચ જ બોટથી કામ ચલાવવું પડે છે.વળી આ પાંચ બોટ પણ લાકડાની અને જૂની પુરાણી છે. એટલે વધુ ઝડપથી ચાલી નથી શક્તી. આને કારણે જ દરિયાઈ માર્ગે ડ્રગ્સની તસ્કરી થાય છે, ઓઈલની ચોરીની ઘટનાઓ વધતી જાય છે એટલું જ નહીં સાવ નવળી સાગરી વ્યવસ્થાને પગલે ટેરરિસ્ટો દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને ફરીથી મુંબઈ હુમલાનું પુનરાવર્તન કરી શકે છે એવું પણ જોખમ ઝળુંબતું જ રહે છે. એટલે જે દરિયા કિનારા વિસ્તારની સલામતી વ્યવસ્થા બળવતર બનાવવા માટે આધુનિક પેટ્રોલિંગ બોટનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.૨૦ પેટ્રોલ બોટની દરખાસ્ત મૂકવામાં આવી છે એ પ્રત્યેક બોટની કિંમત પાંચથી સાત કરોડની આસપાસ હશે. આ બોટ લાકડાની નહીં પણ મજબૂત સ્ટીલ બોડીવાળી હશે. આ અદ્યતન બોટને લીધે વધુ સારી રીતે પટ્રોલિંગ થઈ શકશે અને દરિ.ાઈ માર્ગે થતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકી શકાશે.
મુંબઈની કોસ્ટલાઈન ઉપર ડ્રોન ઉડાડીને નજર રાખવાની મનાઈ છે. એટલે એક માનવરહિત બોટની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. આ માનવરહિત (અનમેન્ડ) બોટ કિનારા વિસ્તારમાં તરતી રહે છે અને દરિયામાં થતી હિલચાલનું લાઈવ રેકોર્ડિંગ કરીને કન્ટ્રોલ રૃમને મોકલી શકે છે આ બોટ એકદમ પાવરફૂલ સર્ચલાઈટ, વોર્નિંગ આપવા માટે લાઉડ સ્પીકર તથા અથડામણ ટાળી શકે એવી કોલીઝન-એવોઈડન્સ સિસ્ટમથી સજ્જ હશે.
મહારાષ્ટ્રના ફિશરીઝ એન્ડ પોર્ટસ ખાતાના પ્રધાન નીતેશ રાણેએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે અમે મૂકેલી દરખાસ્તને ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળશે એવી અમને આશા છે. થોડા સમય પહેલાં નાણાં પ્રધાન અજિત પવાર સાથે મારી મીટિંગ થઈ ત્યારે જ મેં એમને કહ્યું હતું કે સાગર કિનારા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે રાજ્યના બજેટમાં જોગવાઈ કરવામાં આવે જેથી આધુનિક પેટ્રોલ-બોટની ખરીદી કરી શકાય.
નવી મુંબઈમાં ભાડાની બોટમાં પેટ્રોલિંગ
નવી મુંબઈ પોલીસને ૨૦૧૨માં ફાળવવામાં આવેલા સાત પેટ્રોલિંગ બોટની આવરદા પૂરી થતાં ખોટવાયેલી દશામાં પડી છે. પરિણામે પોલીસે ૧૦૬ કિલોમીટર લાંબા દરિયા કિનારા વિસ્તારની પહેરેદારી માટે માછીમારો પાસેથી ભાડેથી લીધેલી ત્રણ બોટથી કામ ચલાવવું પડે છે.