સાંગલીમાં ડીજેના ઘોંઘાટને લીધે અસ્વસ્થ થયેલા 2 યુવકનાં મોત

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
સાંગલીમાં ડીજેના ઘોંઘાટને લીધે અસ્વસ્થ થયેલા 2 યુવકનાં મોત 1 - image


1 યુવકને વિસર્જન યાત્રામાં નાચતાં નાચતાં જ એટેક આવ્યો

32 વર્ષના એક યુવકની 10 દિવસ પહેલા જ એન્જિયોપ્લાસ્ટી થઇ હતી

મુંબઇ :  મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બનેલી બે વિવિધ ઘટનામાં ડીજેના ઘોંઘાટભર્યા અવાજને લીધે અસ્વસ્થ થયા બાદ બે યુવાનના મોત થતા ખળભળાટ મચી ગયો છે. આ બન્ને યુવક ગણપતિ વિસર્જન નિમિત્તે નીકળતી શોભાયાત્રા જોવા ગયા હતા. આમાંથી ૩૨ વર્ષના એક યુવકની દસ દિવસ પહેલા જ એન્જિયોપ્લાસ્ટી થઇ હતી.

ડીજેનો કાન ફાડી નાંખે તેવો ઘોંઘાટ આ બન્ને યુવકોના મોત માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે. મૃતકોમાં તાસગાવ તાલુકાના કવટે મહાંકાળના શેખર પાવસે (૩૨) અને વાળવા તાલુકાના દુધારી ગામના પ્રવિણ શિરતોડે (૩૫) નામના યુવાનનો સમાવેશ થાય છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર દુધારી ગામમાં રહેતા પ્રવિણ શિરતોડે (૩૫)ને સેન્ટ્રીંગનો વ્યવસાય છે. સોમવારે રાત્રે સાત વાગ્યે તેઓ કામ પતાવી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બાઇક બંધ પડી ગઇ હતી. ત્યારબાદ બાઇકને ધક્કા મારી તેઓ ઘરે આવ્યા હતા.

ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં જોડાવવું હોવાથી તેઓ તરત જ ઘરેથી નીકળી વિસર્જનની શોભાયાત્રામાં જોડાયા હતા. ધક્કો મારી દૂરથી બાઇક ઘરે લાવ્યા બાદ વિસર્જન દરમિયાન થોડા સમયમાં જ તેમને અસ્વસ્થતા લાગવા દરમિયાન માંડતા મિત્રો સાથે નાચી રહેલ પ્રવિણને ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે પડયા હતા. મંડળના કાર્યકર્તાઓ અને તેમના મિત્રો તેમને ઇસ્લામ પૂરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જોકે ડોકટરોએ પ્રવિણને મૃત જાહેર કર્યા હતા.

આવી બીજી ઘટના બાજુના તાસગાવ તાલુકાના કવઠે- મહાંકાળમાં બની હતી.  અહીં શેખર (૩૨) નામના  યુવાનનું પણ વિસર્જન વખતે ડીજીનો તીવ્ર અવાજ સહન ન થતા હાર્ટએટેકથી મોત થયું હતું. દસ જ દિવસ પહેલા શેખરની એન્જિયોપ્લાસ્ટી થઇ હતી. વિસર્જનની શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર શેખરને રાત્રે ૧૦ વાગ્યા બાદ અસ્વસ્થા લાગવી માંડી હતી તેથી તે ઘરે પાછો ફર્યો હતો. જોકે આ દરમિયાન ઘરે જ તેને જોરદાર ચક્કર આવ્યા હતા અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડયો હતો. તેને તરત જ પાસેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.



Google NewsGoogle News