2 વર્ષનું બાળક 13મા માળેથી પટકાયું, યુવકે ઝીલી લીધું
ડોંબિવલીમાં રામ રાખે તેને કોણ ચાખે ઉક્તિ સાર્થક
યુવકના હાથ પગ વચ્ચે અટવાઈ જવાના કારણે બાળકનો નજીવી ઈજા સાથે ચમત્કારિક બચાવ
મુંબઈ - ડોંબિવલીમાં ૧૩ માળની ઈમારતમાં તેરમાં માળે રમી રહેલ બે વર્ષનું બાળક રમતી વખતે નીચે પડી ગયું હતું. જો કે, આ સમયે એક શખ્સની સતર્કતાને કારણે તેણે બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળક તેના બંને હાથમાંથી નીચે સરકી ગયું હતુ અને બાળક આ શખ્સના પગમાં પડતા તેને સામાન્ય ઈજાઓ થતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ ઘટના રવિવારે બપોરે ડોંબિવલી વેસ્ટના દેવચીપાડા વિસ્તારમાં ૧૩ માળની હાઈરાઈઝ ઈમારતમાં બની હતી. ઘટના મુજબ, તેરમાં માળે બે વર્ષનો સાત્વિ દેસલે રમી રહ્યો હતો અને રમતા રમતા તે બાલ્કીનીમાં પહોંચી ગયો હતો.
કલર કરતી વખતે ગ્રીલ ખુલ્લી હોવાથી બાળક બાલ્કની ગ્રીલ વચ્ચેના ગેપમાંથી નીચે પડયો હતો. આ ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના મુજબ, જ્યારે એક મહિલા સહિત ચાર લોકો ઈમારતમાંથી બહાર નીકળીને બહાર જઈ રહ્યા હતા.
ત્યારે બે વર્ષનું બાળક ઈમારતના ૧૩માં માળેથી નીચે પડયું હતું. આ સમયે ૩૫ વર્ષીય ભાવેશ મ્હાત્રેએ નીચે પડી રહેલા બાળકને જોતા જ તે તરત જ ઈમારતની નીચે દોડીને આવ્યો હતો અને બંને હાથે બાળકને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે તેને પકડવામાં અસમર્થ રહ્યો હતો અને બાળક તેના હાથમાંથી નીચે સરકી ગયું હતુંં.આ સમયે ભાવેશે બાળકને પગથી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે નીચે પડવાની અસર ઓછી થઈ જતા બાળકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તે ચમત્કારિક રીતે બચી ગયું હતું.
આ ઘટના બાદ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ બાળકને સીટી સ્કેન કરવાનું સુચન કર્યું હતું. જો કે, બાળકને ગંભીર ઈજાઓ ન થતાં તેની સ્થિતિ સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
ભાવેશ ડોંબિવલી વેસ્ટના દેવચીપાડા વિસ્તારમાં બિલ્ડીંગમાં મકાન ખરીદ વેચાણનો વેપાર કરે છે. તેથી ઘટના સમયે તે આ વિસ્તારમાં આવેલ અનુરાજ ઈમારતમાં ગ્રાહકોને ઘર બતાવવા અને તેના મિત્રના ઘરે આવ્યો હતો.
મિત્રના ઘરની બહાર નીકળતા જ તેણે આ દ્રશ્ય જોયું હતું અને તરત જ આ ઘટના પર પ્રતિક્રિયા કરતા તેણે બાળકને બચાવવા માટે ઈમારત તરફ દોટ મૂકી હતી. જેના કારણે બાળક બચી ગયું હતું. આ ઘટના બાદ ભાવેશ મ્હાત્રેની આ સમ્રગ વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. તો આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.