વ્હોટસ એપ પર અફવા ફેલાવતા ટ્રોમ્બેના 2 યુવક ઝડપાયા
લોકોને ભડકાવતા મેસેજ પોસ્ટ કર્યા હતા
સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજીસ ફેલાવવા સામે મુંબઈ પોલીસની ચેતવણી
મુંબઇ : ટ્રોમ્બે પોલીસે વોટસઅપ પર ફેક વીડિયો દ્વારા લોકોમાં ગભરાટ અને અસુરક્ષિતાની ભાવના ફેલાવવા બદલ કેસ દાખલ કર્યો છે. સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફેલાવનારા બે યુવકને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનંત શિંદેને ગઇકાલે રાતે વોટસએપ પર ફરતા ફેક મેસેજની જાણ થઇ હતી. પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી અફવાનો વીડિયો વાયરલ કરનારા ટ્રોમ્બેના ઇરફાન ઇબ્રાહિમ શેખ (ઉં.વ.૩૦) અને વિજય સાંડગે (ઉં.વ.૪૨)ને પોલીસે ઝડપી લીધા હતા. બંને સામે કેસ નોંધી જરૃરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં ભડકાઉ, અફવા ફેલાવનારા, ધાર્મિક/ જાતીય લાગણી દુભાવનારા ફોટો, વીડિયો, સ્ટેટસ પોસ્ટ કરવા નહીં. આ ફોટો, વીડિયો, મેસેજ વાયરલ કરવાની માહિતી પોલીસને આપવી. આ પ્રકારના ગુના કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.