મુંબઈમાં ટીબીની બીમારીથી દરરોજ 2થી 3 મોત
2024માં અત્યાર સુધીમાં ૩૯૭ મોત
ટીબીની સારવાર હવે હાથવગી છે પરંતુ દર્દીઓ વચ્ચેથી દવાનો કોર્સ છોડી દઈ જીવ ગુમાવે છે
મુંબઈ : મહાપાલિકાની શિવડી સ્થિત ટીબી હૉસ્પિટલમાં 'ટીબી'ને લીધે દરરોજ બે થી ત્રણ મોત થતાં હોવાની વાત પ્રકાશમાં આવી છે. એક સામાજિક કાર્યકર્તાએ કરેલી આરટીઆઈના જવાબમાં આ માહિતી બહાર આવી છે. ર૦ર૧માં ટીબીથી ૯૭૪ જણે જીવ ગુમાવ્યો તો ૨૦૨૨ અને ૨૦૨૩માં અનુક્રમે ૯૫૯ અને ૮૫૫ વ્યક્તિ મૃત્યુ પામી છે. ટીબીને કારણે ચાલું વર્ષમાં અત્યારસુધીમાં ૩૯૭ મૃત્યુ થયાં છે. જોકે આ વર્ષે આ આંકડો થોડો ઘટતો દેખાય છે.
મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, યોગ્ય સારવાર લઈએ તો આ બીમારીમાંથી બહાર આવી શકાય છે. પરંતુ ઘણીવાર દર્દીઓ દવા ચાલું કર્યા બાદ વચ્ચેથી જ કોર્સ છોડી દેતાં હોય છે. આથી તેમને તે દવાઓની રેસિસ્ટંસ થઈ તબિયત વધુ બગડે છે. આજેય ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં મુંબઈમાં મળે છે. આવા દર્દીઓને સારવાર મળે તે માટે મહાપાલિકાની ટીબી માટેની એક વિશેષ સમર્પિત હૉસ્પિટલ છે. જ્યાં માત્ર ટીબીની જ સારવાર કરાય છે.
આપણાં સમાજમાં આજેય ટીબીને લઈને અનેક ગેરમાન્યતાઓ છે. ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્ર સ્તરે પ્રયાસો ચાલી રહ્યાં છે. તેમજ આ બીમારીની સારવાર માટે નવી પદ્ધતીઓ પણ વિકસિત કરાઈ રહી છે. સરકારી હૉસ્પિટલમાં આ બીમારીની તમામ તપાસ તથા દવાઓ મફતમાં અપાય છે. તેમજ આ બીમારીની દવાનો કોર્સ છથી નવ મહિનાનો હોય છે અને દર્દીઓનું નિયમિત ફોલોઅપ લેવાય છે. પરંતુ ઘણીવાર દર્દી જ જો વચ્ચેથી દવા લેવાનું બંધ કરી દે તો તેમાં દર્દીઓને જ નુકશાન ભોગવવું પડે છે.