મુકેશ અંબાણીને ધમકીના 2 ઈમેઈલ, પહેલાં 20 કરોડ, પછી 200 કરોડ માગ્યા

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
મુકેશ અંબાણીને  ધમકીના 2 ઈમેઈલ, પહેલાં 20 કરોડ, પછી 200 કરોડ માગ્યા 1 - image


રિલાયન્સના ચેરમેનને હત્યાની ૨૪ કલાકમાં  બે વાર ધમકી

અંબાઈ પરિવારના સિક્યુરીટી ઈન્ચાર્જ દ્વારા ફરિયાદ અપાતાં ગામદેવી પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ

મુંબઇ :  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને  ૨૪ કલાકમાં  બે બે વખત ઈમેઈલથી ખંડણીની માગણી સાથે હત્યાની ધમકી આપવામાં આવી હતી. અગાઉ ઈમેઈલ કરનારે ૨૦ કરોડની ખંડણી નહીં ચૂકવાય તો હત્યાની ધમકી આપી હતી. બાદમાં એ જ ઈમેઈલ એકાઉન્ટ પરથી બીજો મેઈલ આવ્યો હતો અને તેમાં જણાવાયું હતું કે અગાઉના ઈમેઈલ અનુસાર ખંડણી નહીં મળી હોવાથી હવે ૨૦૦ કરોડ આપવા પડશે. પોલીસે અગાઉના મેઈલ બાદ જ  અંબાણી પરિવારના સિક્યુરિટી ઈન્ચાર્જે આપેલી ફરિયાદના આધારે ગામદેવી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેને ટ્રેસ કરવા પ્રયાસો હાથ ધર્યા છે. 

ઇમેલમાં જણાવવામાં આવ્યું હતું કે અમારી પાસે દેશના સર્વોત્તમ શૂટરો હાજર છે. જો તમે ઉક્ત રકમ નહીં આપો તો જાનથી હાથ ધોવા પડશે. 

તે પછી બીજા મેઈલમાં જણાવાયું હતું કે હજુ સુધી અમારા પહેલા  ઈમેઈલનો જવાબ અપાયો નથી. એટલે હવે ૨૦૦ કરોડ આપવા પડશે. નહીંતર ડેથ વોરંટ પર સાઈન થઈ ચૂકી છે. 

ધમકી-ભર્યો આ ઇમેલ મળ્યાબાદ અંબાણીના સિક્યુરિટી ઇન્ચાર્જે આ બાબતે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે  આઇપીસીની કલમ ૩૮૭ (ખંડણી વસૂલવા જાનથી મારી નાંખવાની ધમકી આપવી) ૫૦૬ (૨) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધી ધમકીભર્યો ઇમેલને ટ્રેસ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. 

મુકેશ અંબાણીન ભૂતકાળમાં પણ આવી ધમકીઓ અપાઈ ચૂકી છે.  આ પહેલા ગયા વર્ષે જ બિહારના દરભંગામાંથી એક વ્યક્તિએ અંબાણી અને તેમના કુટુંબીજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ વ્યક્તિએ મુંબઇની ચસર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જોકે ત્યાર બાદ પોલીસે બેરોજગાર એવા આરોપી રાકેશ કુમાર મિશ્રાને પકડી પાડયા હતો.

આ સિવાય ફેબુ્રઆરી, ૨૦૨૧માં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલીયા બહાર ૨૦ જીલેટીન સ્ટીક અને ધમકી ભરેલા પત્ર સાથેની એક સ્કોર્પિયો કાર મળી આવી હતી. ત્યાર બાદ આ પ્રકરણે મુંબઇ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી અને મનસુખ હિરણ હત્યા પ્રકરણનો પણ પર્દાફાશ થયો હતો.

 થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીને આ રીતે જ જાનથી મારી નાંખવાની ધમકી આપતો ઉર્દુ ભાષામાં લખાયેલો એક પત્ર મળ્યો હતો.  ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. મુકેશ અંબાણી અને તેમના સમગ્ર પરિવારને સમગ્ર ભારત અને વિદેશમાં પણ ઝેડપ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવો આદેશ  સુપ્રીમ કોર્ટે પણ એક કેસ સંદર્ભે આપ્યો હતો. અને આ બાબતનો સમગ્ર ખર્ચ પણ તેમના પાસેથી વસુલવામાં આવે તેવું જણાવ્યું હતું.



Google NewsGoogle News