વિલે પાર્લે ખાતે બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાતાં 2 ટિનેજરનાં મોત
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત
દિશા નક્કી કરવામાં ગોથું ખાઇ ગયા અને 120-150 કીમીની સ્પીડે જતી કાર પર કન્ટ્રોલ ગુમાવ્યો
મુંબઇ - વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલેપાર્લે ખાતે શનિવારે વહેલી સવારે બેકાબૂ બનેલી એક કાર ડિવાઇડર સાથે અથડાતા કારમાં પાછળની સીટ પર બેસેલા બે કોલેજિયન ટીનેજરો સાર્થક કૌશિક અને જલજ ઝીરનું મોત થયું હતું. આ દુર્ઘટના બની ત્યારે ટીનેજરો બાંદ્રાથી ગોરેગાવ તરફ જઇ રહ્યા હતા.
પોલીસે આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ ૧૨૦થી ૧૫૦ કિ.મી.ની સ્પીડે દોડી રહી હતી. આ સમયે આગળની સીટ પર સમાન વયના કોલેજ મિત્રો જેડન જીમી અને સાહિલ મેંડા આગળની સીટ પર બેઠો હતો અને મેંડા તે સમયે કાર ચલાવી રહ્યો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. વિલેપાર્લે પોલીસે આ ઘટના બાદ કારચાલક મેંડાને તાબામાં લીધો હતો.
ડ્રાઇવિંગ કરનાર ટીનેજરે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેણે દારૃ પીધો નહોતો. આ સંદર્ભે વિલેપાર્લે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેના દાવાની ખાતરી કરવા માટે તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે કાર ચલાવી રહેલ ટીનેજરે અકસ્માતનું કારણ આપતા જણાવ્યું હતું કે અકસ્માત સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આગળ વધવું કે સર્વિસ રોડ પર વળવું તે બાબતની દ્વિધામાં હતો અને માર્ગ નક્કી કરવામાં ગોથું ખાઇ જતા આ અકસ્માત થયો હતો.
આ ઘટના બાબતે કારમાં સવાર જીમીએ પોલીસને જણાવ્યું હતું કે અકસ્માત થયો તેની પહેલા સાંજે ૭.૩૦ વાગ્યે તમામ મિત્રો ઓટોરિક્ષા લઇને પાંચમા મિત્રને અંધેરીના ઘરે પહોંચ્યા હતા આ બાબતે વધુ વિગત મુજબ ગોરેગાંવમાં એક જગ્યાએ પાર્ટી કરી મેન્ડા જીમી અને અન્ય બે સગીરો એમ ચારેય કોલેજમિત્રો જમવા માટે બાંદ્રા આવ્યા હતા. બાંદ્રામાં જમવાનું પતાવી આ લોકો કારમાં પૂરપાટ વેગે પાછા ફરી રહ્યા હતા. આ સમયે વિલેપાર્લે પાસે મેંડા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આગળ વધવું કે સર્વિસ રોડ પર વળવું તેની દ્વિધામાં હતો ત્યારે ૧૨૦થી ૧૫૦ કિમીની ઝડપે કાર ડિવાઇજર સાથે અથડાઇ હતી. આ અથડામણની અસર એવી તીવ્ર હતી કે કારમાં પાછળ બેસેલા કૌશિક અને ધીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલ કૌશિક વિલેપાર્લેની એક કોલેજમાં વિજ્ઞાાનનો વિદ્યાર્થી હતો જ્યારે ધીર એમબીએનો અભ્યાસ કરતો હતો.
આ ઘટના બાદ પોલીસે કાર ચલાવનાર ટીનેજર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬ (૧) બેદરકારીથી મૃત્યુ નીપજાવવું હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.