પુણે પાસે 2 એસટી બસો સામસામે ટકરાતાં 2નાં મોતઃ 60 ઘાયલ
ટુ વ્હીલરને બચાવવા જતાં એક બસ બીજી બસ સાથે ટકરાઈ
પુણે તરફ જતી બસ સામે અચાનક ટુ વ્હીલર આવી જતા તેનાથી બચવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો
મુંબઈ : પુણે- સોલાપુર હાઈવે પર વરવંદ ગામની સીમમાં બે એસટી બસો સામ સામે અથડાઈ જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે ૬૦થી વધુ મુસાફરોે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના પુણે - સોલાપુર હાઈવે પર વરવંદના કાવઠી માલા વિસ્તારમાં સોમવારે સાંજે પાંચની આસપાસ બની હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસોના આગળના ભાગને ઘણું નુકસાન થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની પુણે જતી બસ સાજે પાંચ વાગ્યાની આસપાસ ડેપોથી નીકળી હતી. જેમાં બસ પુણે - સોલાપુર હાઈવે પર પહોંચતા બસની સામે અચાનક એક ટુ વ્હીલર આવી જતા. બસે તેનાથી અથડામણ થતા બચવા માટે વળાંક લીધો હતો. આ દરમિયાન બસ ડિવાઈડર સાથે અથડાતા સામેથી સોલાપુરથી આવતી બસ સાથે અથડામણ થઈ હતી અકસ્માત સમયે બંને બસોમાં ૧૧૦થી વધુ મુસાફરો સવાર હતા.
. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરતા તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વધુમાં ક્રેનનો ઉપયોગ કરીને બંને બસોને હાઈવે પરથી દૂર ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.