થાણે અને નવી મુંબઇના 2 વરિષ્ઠ નાગરિકોએ સ્ટોક માર્કેટ સ્કેમમાં 96 લાખ ગુમાવ્યા
થાણેના કિસ્સામાં 65 વર્ષની વ્યક્તિએ નિવૃત્તિ બાદ મળેલ 46 લાખની રકમ ગુમાવી
મુંબઇ : થાણે અને નવી મુંબઇના બે વરિષ્ઠ નાગરિકોએ સ્ટોક માર્કેટ સ્કેમમાં ૯૬ લાખ રૃપિયાની રકમ ગુમાવી હતી. પહેલી ઘટનામાં ૬૫ વર્ષના એક નિવૃત્ત કર્મચારીએ નિવૃત્તિ બાદ મળેલ ૪૬ લાખની સંપૂર્ણ મૂડી ફ્રોડમાં ગુમાવી હતી જ્યારે નવી મુંબઇના વરિષ્ઠ નાગરિકે ૫૦ લાખ ગુમાવ્યા હતા. આ બંને ઘટના બાબતે થાણે અને નવી મુંબઇમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
ાયબર ફ્રોડની પહેલી ઘટનામાં ૬૫ વર્ષના એક નિવૃત વ્યક્તિ તેમની જીવનભર કમાયેલી નિવૃત્તિ બાદની રકમ શેર માર્કેટમાં રોકવા માગતા હતા. આ બાબતનો એક વીડિયો તેમણે સોશિયલ પર જોયો હતો જેમાં એક પ્રખ્યાત ફાઇનાન્સ કંપનીના નામે ફ્રોડસ્ટરોએ બનાવટ કરી રોકાણ સ્વીકારતા હોવાનું દર્શાવ્યું હતું. વરિષ્ઠ નાગરિક આ સાચી કંપની હોવાનું ધારી ફ્રોડસ્ટરોના જાળમાં ફસાઇ ગયા હતા. તેમણે જાહેરાતમાં આપેલ નંબર ડાયલ કરતા તેમને એક વોટસએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુન અને જુલાઇ મધ્યમાં ફરિયાદીએ ફ્રોડસ્ટરોએ આપેલ એકાઉન્ટમાં નવ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૪૬ લાખ રૃપિયા મોકલી આપ્યા હતા.
ફ્રોડસ્ટરોએ ફરિયાદીને આપેલ એપમાં ૪૬ લાખ સામે ત્રણ કરોડ જમા થયા હોવાનું દર્શાવવામાં આવતું હતું. દરમિયાન ફરિયાદીએ આ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો પણ તેઓ આ રકમ કાઢી શક્યા નહોતા. તેમણે ફોન પર સંપર્ક કરતા તેમને વધુ ફી ભરવાનું જણાવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા તેમણે થાણે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારની બીજી ઘટના નવી મુંબઇમાં બની હતી જેના સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા માગતા વરિષ્ઠ નાગરિકે ફ્રોડનો ભોગ બની ૫૦ લાખ ગુમાવ્યા હતા તેઓ પણ પહેલી ઘટનાની જેમ જ રોજ મોડસ ઓપરેન્ડીનો ભો ગ બન્યા હતા અને મૂડી ગુમાવી હતી.
સતત બનતી આવી ઘટના બાદ પોલીસ લોકોને આવા ફ્રોડથી સતત સતર્ક રહેવાનું જણાવે છે. આ પ્રકારના ફ્રોડનો ભોગ વરિષ્ઠ નાગરિકો મોટા પ્રમાણમાં બનતા હોવાનું નોંધાયું હોવાથી પોલીસે વરિષ્ઠોને આવી કોઇપણ જગ્યાએ રોકાણ કરવા પહેલા વધુ સતર્ક બનવા જણાવ્યું છે.