પુણે યુનિવર્સિટી 2 વિદ્યાર્થીઓને ઉંદર કરડયા બાદ હડકવાનાં લક્ષણો
એક જ વિદ્યાર્થીને સતત ચાર વખત ઉંદર કરડયા
હોસ્ટેલમાં ઉંદરોનો ઉપદ્રવઃ વિદ્યાર્થીઓના ખોરાક, કપડાં અને પુસ્તકોનું પણ ભક્ષણ કરી ગયાઃ આંદોલનની ચિમકી
મુંબઈ - પુણેની સાવિત્રીબાઈ ફૂલયુનિવર્સિટીના હોસ્ટલમાં હાલ ઉંદરોએ હાહાકાર મચાવ્યો છે. પરંતુ વહીવટીતંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. હોસ્ટલમાં ઉંદર કરડવાથી એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. એટલું જ નહીં તો યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તમામ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વિગત મુજબ, સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીના હોસ્ટલ નંબર ૬માં હાલ ઉંદરોનો ત્રાસ વધ્યો છે. ઉંદરોએ હોસ્ટલમાં વિદ્યાર્થીઓના સામાનને વ્યાપક નુકસાન કર્યું છે. આ અંગે ત્રણ મહિના પહેલા મુખ્ય હોસ્ટલના વડા સમક્ષ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેથી અખિલ ભારતીયે વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓએ મુખ્ય હોસ્ટલના વડાને ઘણી વખત મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. તેથી આ તમામ બાબતો હોસ્ટલ પ્રશાસનની બેદરકારી છતી કરે છે.
વધુમાં હોસ્ટલમાં ઉંદરનો ત્રાસ વધતા એક વિદ્યાર્થીને પગમાં સતત ચાર વખત ઉંદર કરડયા બાદ બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોને કારણે હોસ્ટલમાં હાલ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થયો હતો.
દરમિયાન પરીક્ષા દરમિયાન જ બે વિદ્યાર્થીઓમાં હડકવાના લક્ષણો મળી આવતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. હોસ્ટલની અંદર ઉંદરો દ્વારા ખોરાક, કપડા અને પુસ્તકોને પણ નુકસાન થયું હોવાની પણ માહિતી મળી હતી.
આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા એબીવીપીએ આ વધતી જતી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી હોસ્ટલ પ્રશાસનને આપી હતી. વધુમાં વિદ્યાર્થીઓને હોસ્ટલમાં નવા રુમો પૂરા પાડવામાં આવે અને સમ્રગ હોસ્ટલમાં જીવાત નિયંત્રણ લાગુ કરવામાં આવે તથા સ્વચ્છતા જાળવવા માટે ખાસ કાળજી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.