સુરતની તાપી નદીમાંથી 2 પિસ્તોલ, 17 કારતૂસ, 4 મેગેઝિન મળ્યો
સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબારનો કેસ
શૂટરે રિક્ષા ડ્રાઇવરને નદી હોઇ એવા બ્રીજ પર લઇ જવા કહ્યું હતું.
મુંબઇ : બાંદરાના નિવાસસ્થાને સલમાનના ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી જપ્ત કરી છે. પોલીસે સ્કુબા ડાઇવર્સની મદદથી કલાકોની શોધખોળ કરતા નદીમાંથી બે પિસ્તોલ, ૧૭ કારતૂસ, ચાર મેગેઝિન મળી આવ્યા હતા. રિક્ષામાં નદી પરના બ્રીજ પર આવી શૂટરે શસ્ત્રો પાણીમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યોહતો. બોલિવૂડમાં હાહાકાર મચાવનારા આ ગુનામાં પિસ્તોલ મહત્વના પુરાવા સાબિત થશે.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર દયા નાયક અને અન્ય અધિકારીઓની ટીમ સુરતમાં જ છે. તેઓ કેસ સંબંધિત અન્ય માહિતી મેળવી રહ્યા હોવાનું કહેવાય છે.
બાંદરામાં સલમાનના ગેલેકેસી એપાર્ટમેન્ટમાં ૧૪ એપ્રિલના પહેલી સવારે બાઇક પર આવેલા લોરેન્સ બિશ્નોઇ ગેંગના વિક્કી ગુપ્તા (ઉ.વ.૨૪) અને સાગર પાલ (ઉ.વ.૨૧) ગોળીબાર કર્યો હતો. બાંદરામાં માઉન્ટમેરી ચર્ચ નજીક બાઇખ છોડીને બંને પલાયન થઇ ગયા હતા.
ગુજરાતના ભુજ નજીક માતાના મઢ ખાતેના મંદિરના પરિસરમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમે સ્થાનિક પોલીસની મદદથી બન્નેની ધરપકડ કરી હતી. પરંતુ આરોપી પાસે ફાયરિંગ માટે ઉપયોગમાં લીધેલી પિસ્તોલ મળી નહોતી. બંને શૂટર પાસે બે પિસ્તોલ હતી. તેમને ૧૦ રાઉન્ડ ફાયર કરવાનો આદેશ હતો. પરંતુ તેઓ પાંચ ગોળી ફાયર કરી શક્યા હતા.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર દયા નાયકે જણાવ્યું હતું કે શૂટરની પૂછપરછ દરમિયાન સુરતમાં અશ્વનીકુમાર વિસ્તારમાં તાપી નદીમાં પિસ્તોલ ફેંકી દીધી હોવાનું માલૂમ પડયું હતું. આરોપીએ રિક્ષા ડ્રાઇવરને નદી હોય એવા બ્રીજ પર લઇ જવા કહ્યું હતું. આમ તેઓ રિક્ષામાં બ્રીજ પર આવ્યા હતા પછી ત્યાથી નદીમાં પિસ્તોલ ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો. આથી મુંબઇ પોલીસની ટીમ તપાસ માટે આ સ્થળે પહોંચી ગઇ હતી.
સ્કુબા ડ્રાઇવર્સની મદદથી ગઇકાલથી નદીમાં શસ્ત્રની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તાપી નદીમાંથી બે પિસ્તોલ, ૧૭ કારતૂસ, ચાર મેગેઝિન મળી આવ્યા હતા. આરોપી સાથે પોલીસ અહીં આવી હતી. મુંબઇ પોલીસની ટીમ હજી પણ સુરતમાં જ રોકાયેલી છે. આરોપીની પૂછપરછ કરી કેસ સંબંધિત વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.