ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં 2 વ્યક્તિએ 7 કરોડ ગુમાવ્યા
અંધેરીમાં રહેતા 2 કંપનીના 2 સિનિયર એક્ઝિક્યુટીવ ભોગ બન્યા
બંને કેસમાં વ્હોટસ એપ ગ્રુપમાં સામેલ કરાયા બાદ રોકાણ માટે લલચાવી છેંતરપિંડીઃ બહુ જ પ્રોફેશનલ ગેંગની સંડોવણીની શંકા
મુંબઇ : અંધેરીમાં રહેતા બે અલગ-અલગ ખાનગી કંપનીના બે સિનિયર એક્ઝિક્યુટીવે ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં લગભગ સાત કરોડની રકમ ગુમાવતા ખળભળાટ મચી ગયો છે. છેતરપિંડીની આ રકમ ખૂબ જ મોટી છે અને આ કેસમાં પ્રોફેશનલ ગેન્ગની સંડોવણીની પોલીસને શંકા છે. આ સંદર્ભે મુંબઇ સાયબર પોલીસ ગયા અઠવાડિયે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારની પહેલી ઘટનામાં ફરિયાદીના પિતાને કોઇ અજાણી વ્યક્તિએ એક વોટસએપ ગુ્રપમાં એડ કર્યા હતા જેમાં ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ સંબંધી પ્રવૃત્તિ સાથે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ફરિયાદીએ આ બાબતે તપાસ કરતા તેમને આ લોકો વિશ્વાસપાત્ર હોવાની જાણ થઇ હતી. થોડા દિવસ બાદ આ ગુ્રપમાં ફરિયાદી અને તેમના પત્ની પણ જોડાઇ ગયા હતા. થોડા દિવસ બાદ ફરિયાદીને સંબંધિત વોટસએપ ગુ્રપના એડમિનનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું.
ફરિયાદીએ જ્યારે એક મહિલા એડમીનનો સંપર્ક કર્યો ત્યારે તેણે એક પ્રખ્યાત કંપનીનું નામ આપી પોતે આ કંપનીની એક્ઝિક્યુટીવ હોવાનું જણાવ્યું હતું. આ કંપનીનો આઇપીઓ ટુંકમાં જ આવવાનો હોવાથી તેમા પૈસા રોકવાથી ટુંક સમયમાં બમણો લાભ થશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ફરિયાદી અને તેની પત્નીએ મહિલાની વાતોમાં આવી ૧૦ જાન્યુઆરીથી ૧ માર્ચ દરમિયાન લગભગ રૃા. ૫.૧૪ કરોડનું રોકાણ કરી દીધું હતું. આ લોકોને તે પહેલા કંપનીની એક એપ ડાઉનલોડ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તે ડાઉનલોડ કર્યા બાદ તેમા ૮૦ કરોડથી વધુનો લાભ થયો હોવાનું દર્શાવવામાં આવતું હતું. ફરિયાદીએ આ બાબતે જ્યારે તેના સંબંધીઓ અને મિત્રો સાથે ચર્ચા કરી ત્યારે તેની સાથે ફ્રોડ થઇ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફરિયાદીએ તરત જ આ બાબતે સાયબર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આવી જ ફ્રોડની બીજી ઘટના અન્ય એક વોટસએપ ગુ્રપ દ્વારા અંધેરીના બીજા એક એક્ઝિક્યુટીવ સાથે થઇ હતી તેમા પણ આ વ્યક્તિને વધુ નફાની લાલચ આપી પૈસા રોકવા પ્રેરિત કરવામાં આવ્યા હતા અને આ વ્યક્તિના વર્ચ્યુઅલ એકાઉન્ટમાં મોટી રકમ નજરે પડતી હતી પણ જ્યારે આ વ્યક્તિએ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે આ રકમ કાઢી શકાઇ નહોતી. આ વ્યક્તિ સાથે પણ રૃા. ૧.૯૪ કરોડની છેતરપિંડી થઇ હોવાનું બહાર આવ્યા બાદ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.