ભિવંડીમાં 1971થી ગેરકાયદેસર વસી ગયેલા 2 પાકિસ્તાની ભાઈઓ ઝડપાયા
1971થી ભિવંડીના ગુલઝારનગર વિસ્તારમાં રહે છે
આ બન્ને ભાઈઓને બનાવટી દસ્તાવેજો બનાવી આપવા સહિત મદદ કરનારા 7 સામે પણ ગુનો નોંધાયો
મુંબઈ : દાયકાઓથી ભિવંડીના ગુલઝારનગર વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બે પાકિસ્તાની ભાઈઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે આ બન્નેને બનાવટી દસ્તાવેજો મેળવી આપવા સહિતની અન્ય મદદ કરવાના આરોપસર પોલીસે બીજા સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સંદર્ભે ભિવંડીના એક પોલીસ અધિકારી સુરેશ ધુગેએ જણાવ્યું હતું કે હારુન ઉમર પારકર અને અસલમ ઉમર પારકર નામના પાકિસ્તાનના બે ભાઈઓ ૧૯૭૧થી માન્ય દસ્તાવેજો વગર ગેરકાયદેસર ભિવંડીના ગુલઝારનગર વિસ્તારમાં રહેતા હતા. જ્યારે આ બન્નેને દેશની સુરક્ષા માટે જોખમ ઉભું કરવા માટે બનાવટી દસ્તાવેજો અને આઈડી કાર્ડ વગેરે બનાવી આપવા અને તેમની મદદ કરવાના આરોપસર પોલીસે બીજા સાત જણ સામે ગુનો નોંધ્યો છે.
આ નવ જણ સામે પોલીસે આઈપીસીની કલમ ૪૨૦ (પ્રલોભન દ્વારા છેતરપિંડી) ૪૬૫ (બનાવટ), ૪૬૮ (છેતરપિંડી માટે બનાવટ) ૪૭૧ અને ૩૪ (સમાન આશય) તેમજ પાસપોર્ટ એક્ટ અને વિદેશી નાગરિકોની જોગવાઈઓના અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.