નેવીના 2 અધિકારીઓ વિઝા કૌભાંડના સૂત્રધાર હોવાની કોર્ટમાં રજૂઆત
બનાવટી દસ્તાવેજ પરથી દક્ષિણ કોરિયા સહિતના દેશોમાં મોકલવાનું કૌભાંડ
5માંથી 3 આરોપીને 9 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી, અન્ય 2ને 14 દિવસની અદાલતી કસ્ટડી
મુંબઈ : કથિત વિઝા રેકેટમાં પકડાયેલા બે નેવી અધિકારીઓ ગુનાના સૂત્રધાર હોવાનું પોલીસે કોર્ટમાં જણાવીને તેમના રિમાન્ડ લંબાવવાની માગણી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે લેફ્ટનન્ટ કમાન્ડર વિપીન ડાગર અને સબ લેફ્ટનન્ટ બ્રાહમ જ્યોતિની પોલીસ કસ્ટડી નવ જુલાઈ સુધી લંબાવી છે.
ભારતીયોને દક્ષિણ કોરિયામાં ગેરકાયેદે કામ કરવા વિઝા મેળવી આપનારી ટોળકીનો તેઓ હિસ્સો હોવાનો આરોપ હતો. બંને નેવી અધિકારીઓ ઉપરાંત સિમરન તેજી, રવિ કુમાર અને દીપક મહેરા ઉર્ફે ડોગરા અન્ય આરોપી છે. પાંચે જણને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિનોદ પાટીલ સામે હાજર કરાયા હતા.
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ડાગર અને જ્યોતિએ વિશાખાપટ્ટનમથી સ્ટેમ્પ બનાવતી મશીન ખરીદી હતી અને વિઝા અરજી માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. દક્ષિણ કોરિયા સિવાયના અન્ય દેશોમા ંપણ લોકોકોને મોકલાવ્યા હતા. તેમના બેન્ક ખાતામાં જમા થયેલા પૈસા પરથી સ્પષ્ટ થાય છે. વધુ ચાર દિવસ કસ્ટડી મેળવીને અન્ય આરોપીઓ સાથે પૂછપરછ કરવી જરૃરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળીને ડાગર, જ્યોતિ અને મહેરાને નવ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપી હતી જ્યારે તેજી અને કુમારને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી હતી. એક વર્ષમાં આઠ જણને દક્ષિણ કોરિયા મોકલ્યા હતા પણ બે જણને પાછા મોકલી દેવાયા હતા.