ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં કાટમાળ હેઠળથી વધુ 2 મૃતદેહ મળ્યા
બચાવ કામગીરી વખતે નાની આગ લાગતાં દોડધામ
બનાવના 48 કલાક પછી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ : કાટમાળ હેઠળ વાહનોમાં વધુ મૃતદેહો હોઈ શકે છે તેવી શંકાકુશંકા
મુંબઇ : ઘાટકોપરમાં અનધિકૃત હોર્ડિંગ તૂટી પડવાના સ્થળે કાટમાળ નીચે વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. ગર્ડર નીચે દબાયેલા મૃતદેહો બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ બચાવ કામગીરી વખતે નાની આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગ કાબૂમાં લીધી હતી.
આ બનાવના ૪૮ કલાક પછી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી કદાચ જાનહાની સંખ્યા વધી શકે છે.
ઘાટકોપર (પૂર્વ)માં છેડા નગર, સેક્ટર-૩, રિક્રિએશન સેન્ટર પાસે સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યે કમોસમી વરસાદ અને સુસવાટાભર્યા પવનને લીધે ૧૨૦ બાય ૧૨૦ ચો. ફૂટનું અનધિકૃત હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડયું હતું. હોર્ડિંગના કાટમાળ નીચે દબાઇ જતા ૧૪ના મોત થયા હતા. જ્યારે ૭૫ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસ, ફાયર બ્રિગેડ, પાલિકા, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ સતત કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહી છે. હોસ્ગિ સ્ટીલના સ્ટ્રક્ચર અને ગર્ડરને ખસેડવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાટમાળ નીચે અનેક વાહનો દબાયેલા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખિલ મુધોલકરે બુધવારે જણાવ્યું હતું કે અમે ત્રીજા ગર્ડર નીચે બે મૃતદેહ જોયા છે. અમને મૃતદેહ સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. અમે પ્રથમ ગર્ડરને કાપીને રાતે હટાવી દીધા છે. હવે અર્થ મૂવર અને સેક્સેવેટર્સની મદદથી કાટમાળ દૂર કરી રહ્યા છીએ.
એનડીઆરએફના જવાનો હવે બીજા ગર્ડરને કાપી નાખશે. અહીં આવા પાંચ કરતા વધુ ગર્ડર છે. આ તમામ ગર્ડર હટાવ્યા પછી ખબર પડશે કે હજુ કેટલા લોકો ફસાયેલા છે. આ દુર્ઘટનામાં વધુ જાનહાની સંભાવનાને નકારી શકાતી નથી. કાટમાળમાં કોઇ વ્યક્તિના જીવતા હોવાની શક્યતા ઓછી છે. પેટ્રોલ પંપને કારણે કટિંગ અને ડ્રિલિંગના સાધનોનો ઉપયોગ કરવામાં અત્તો નથી હોર્ડિંગ સાથે ટકરાતા નીચે દબાયેલા વાહનોમાંથી ઇંધણ લીક થયું છે.
ઓપરેશન દરમિયાન આજે સવારે ઘટનાસ્થળે નાની આગ ભભૂકી હતી. ફાયરબ્રિગેડે તેને તરત જ બુઝાવી દીધી હતી. આવી ફરી કોઇ અનિચ્છનિય ઘટના બની નહોતી, એમ એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે લોનાવલાનાનાં રિસોર્ટસ ફંફોસ્યાં
એડ એજન્સીના માલિક ભાવેશ ભીડેનું લાસ્ટ લોકેશન લોનાવલા
ઘાટકોપરમાં કિલર હોર્ડિંગ લગાડનારા એડ કંપનીનો માલિક ભાવેશ ભીંડેનું છેલ્લું લોકેશન લોનાવલા હોવાનું કહેવાય છે. ફરાર આરોપી ભાવેશને પકડવા પોલીસની સાત ટીમ બનાવવામાં આવી છે.
મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થયેલા ભાવેશને શોધવા સાત ટીમોની દોડધામ
બળાત્કાર સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા ભાવેશ ભીંડે તમામ નિયમોની ઐસી તૈસી કરીને ૪૦ લાખ ૪૦ ચો.ફૂટના બદલે ૧૨૦ બાય ૧૨૦ ચો.ફૂટનું હોર્ડિંગ જરૃરી પરવાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે લગાડયું હતું.
ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના માલિક ભાવેશ ભીંડે સામે સદોષ મનુષ્ય વધ અને અન્ય કલમ હેઠળ પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ઘાટકોપર દુર્ઘટના બાદ પોલીસ મુલુંડમાં ભીંડેના ઘરે ગઈ હતી. પણ તે ઘરે મળ્યો નહોતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે તેનું છેલ્લું લોકેશન લોનાવલા હતું. બાદમાં પોલીસની એક ટીમ લોનાવલા ગઈ હતી. પણ પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. તેનો ફોન સ્વીચ ઓફ હતો. પોલીસની જુદી જુદી ટીમ મુંબઈ અને શહેરની બહાર તેની શોધખોળ કરી રહી છે.
કાટમાળ નીચેથી ૧૮ બાઈક અને સાત કાર કચ્ચરઘાણ હાલતમાં મળી
ઘાટકોપરમાં હોર્ડિંગનો કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે ત્યારે નીચેતી આજે સાંજે સુધીમાં ૧૮ બાઈક અને સાત કારબહાર કાઢવામાં આવી હતી. આ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અત્યાર સુધીમાં હોર્ડિંગનો ૫૦ ટકા કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. સમગ્ર કાટમાળને હટાવવામાં હજુ ૨૪ કલાકનો સમય લાગે એવી શક્યતા છે. આમ કાટમાળમાં હજી પણ અનેક વાહન અને લોકો દબાયેલા હોવાનું કહેવાય છે.