દક્ષિણ મુંબઇમાં વાંદરાના ટોળાએ હુમલો કરતા 2 ઘવાયા
વાંદરાઓને ખાવાનું આપવા તેમજ ચીડવવાથી દૂર રહેવાની સલાહ
ઇજાગ્રસ્ત રેલવે કર્મચારી અને એક બાળકને હોસ્પિટલમાં ખસેડાયા
મુંબઇ : દક્ષિણ મુંબઇમાં વાંદરાના ટોળાએ હુમલો કરતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ફરજ બજાવતા એક રેલવે કર્મચારી અને મહાલક્ષ્મીની એક સોસાયટીમાં રહેતો એક બાળક ઘવાયા હતા. આ ઘટના બાદ વન્યજીવ બચાવકર્તાઓએ વાંદરાઓને પકડવાના પ્રયાસો શરૃ કર્યા હતા. આ બાબતે વન અધિકારીઓએ વદુ વિગત આપતા જણાવ્યું હતું કે વાંદરાના હુમલામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બાબતે વધુ વિગત આવતા વન અધિકારીએ જણાવ્યું હતું કે માનવ અને વન્યપ્રાણી વચ્ચેના સંઘર્ષના અહેવાલો બાદ વન કર્મચારીઓ રેસ્કિંક એસોસિયએશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેરની બચાવ ટીમના સભ્યોએ બન્ને વિસ્તારની મુલાકાત લીધી હતી અને બાંદરાઓને પકડવાના પ્રયાસો આદર્યા હતા.
આ અધિકારીઓએ આગળ જણાવ્યું હતું કે વાંદરાઓને પકડયા પછી તેમની તબીબી તપાસ કરવામાં આવશે અને તેમનું પુનર્વસન હાથ ધરાશે તેમણે લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે વાંદરાઓને ખવડાવવાથી દૂર રહેવું અને તેમનો પીછો ન કરવો અથવા તેમને ચીડવવાથી દૂર રહેવું જોઇએ આ ઉપરાંત નાના બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકોને વાંદરાઓની ઉપસ્થિતિ જોવા મળે તેવા વિસ્તારમાંથી એકલા પસાર થવું ન જોઇએ.