એફડીએ ઇન્સ્પેક્ટર સહિત 2ની રૃા. 70 હજારની લાંચ લેતા ધરપકડ
કલ્યાણમાં એસીબીની કાર્યવાહી
મેડિકલ શોપ શરૃ કરવા માગનારા પાસે લાઇસન્સ આપવા લાંચ માંગી
મુંબઇ : કલ્યાણમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ઇન્સ્પેક્ટર અને અન્ય એક વ્યક્તિની રૃા. ૭૦ હજારની લાંચ લેવાના આરોપસર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી છે. મેડિકલ શોપ શરૃ કરવા માગનારા પાસે લાંચની માગણી કરવામાં આવી હતી.
ફરિયાદીએ મેડિકલ શોપ ખોલવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે લાઇસન્સ માટે અરજી કરી હતી. પરંતુ એફડીએના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કથિત રીતે તેમની પાસે લાઇસન્સ ફી ઉપરાંત રૃા. એક લાખની માગણી કરી હતી. બાદમાં લાંચની રકમ ઘટાડીને રૃા. ૭૦ હજાર કરવામાં આવી હતી, એમ નવી મુંબઇ એસબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું હતું.
ફરિયાદીએ આ કેસની એસીબીને જાણ કરી હતી. તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કલ્યાણમાં કરિયાણાની દુકાન પાસે છટકું ગોઠવીને ૫૦ વર્ષીય એક આરોપીને ફરિયાદી પાસેથી લાંચના રૃા. ૭૦ હજાર લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
એસીબી અધિકારીઓએ બાદમાં ૪૨ વર્ષીય ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને પકડી લીધો હતો. એમએફસી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.