થાણેના સર્કલ ઓફિસર સહિત 2 10 લાખની લાંચના છટકાંમાં ઝડપાયા
થાણેની તહેસીલદાર ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર
લાંચ ન મળે તો પરવાનગી કરતાં વધુ ખોદકામ કર્યું હોવાનો ખોટો રીપોર્ટ આપી દેવાની ધમકી આપી હતી, ઓફિસમાં જ છટકું
મુંબઈ : થાણેમાં રેમન્ડ કંપનીમાં ચાલી રહેલ સાઈટ પર ખોદકામ માટે મળેલી પરવાનગી કરતા વધુ ખોદકામ કર્યું હોય તેવા ખોટા રિપોર્ટ વરિષ્ઠોને સબમીટ ન કરવા ૧૦ લાખ રૃપિયાની લાંચની માંગણી કરનાર સર્કલ ઓફિસર સહિત બે જણની થાણે એન્ટી કરપ્શન બ્યુરોએ બે લાખની રોકડ સ્વીકારતા રંગે હાથ ધરપકડ કરી હતી.
એસીબીએ પકડી પાડેલા આરોપીઓમાં સર્કલ ઓફિસર મહેન્દ્ર ગજાનન પાટીલ (૫૬) અને તેમના ખાનગી માણસ વાજીદ મહેબુબ મલેક (૬૩) નો સમાવેશ થાય છે. બુધવારે બપોરે તહેસીલદાર ઓફિસમાં જ છટકું ગાઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર થાણેની રેમન્ડ કંપનીમાં એક સાઈટ પર ખોદકામ ચાલી રહ્યું હતું. આ ખોદકામ માટે પરવાનગી લેવામાં આવી હતી. જો કે લાંચીયા અધિકારી પાટીલ ફરિયાદીને જણાવ્યું હતું કે તે તેને વરિષ્ઠોને એવો ખોટો રિપોર્ટ આપશે કે ફરિયાદીએ તેને આપેલ પરવાનગીથી વધુ ખોદકામ કર્યું છે. જો તે ઈચ્છતો હોય કે આવો રિપોર્ટ ન સબમીટ કરવામાં આને તો તે માટે ૧૦ લાખની લાંચ આપવી પડશે. આ વાતથી ફરિયાદી ચોંકી ગયો હતો અને તેણે ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ના થાણે-એસીબીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન પાટીલે અંતે ૧૦ની જગ્યાએ ૬ લાખ રૃપિયામાં પતાવટ કરી હતી. એસીબીએ ફરિયાદીની ફરિયાદને આધારે છટકું ગોઠવ્યું હતું અને ૨૦ ડિસેમ્બરના રોજ લાંચની રકમના પહેલા હપ્તા તરીકે બે લાખની સ્વીકારી આ રકમ વાજીદને આપી હતી તેથી એસીબીએ બન્નેની ધરપકડ કરી હતી. આ પ્રકરણે થાણે નગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતની વધુ તપાસ પીઆઈ થોરાત કરી રહ્યા છે.