નાસિકમાં તાલીમ વખતે તોપગોળો ફાટતાં 2 અગ્નિવીરનાં મોત
20 અને 21 વર્ષના યુવકોનો સમાવેશ
નાસિક રોડના આર્ટીલરી સેન્ટરમાં ફિલ્ડ ગનમાંથી ફાયરિંગની એક્સરસાઈઝ ચાલતી હતી
મુંબઇ : નાસિકના આર્ટીલરી સેન્ટરમાં ફાયરિંગની પ્રેક્ટીસ વખતે તોપનો ગોળો ફાટતા બે યુવાન અગ્નિવીર મોતને ભેટયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે નાસિક રોડના આર્ટીલરી સેન્ટરમાં ગુરુવારે ફિલ્ડ-ગનમાંથી ફાયરિંગની એક્સરસાઇઝ ચાલી રહી હતી એ વખતે તોપનો ગોળો (શેલ) ધડાકા સાથે ફાટતા બે અગ્નીવીર ગોહિલ વિશ્વરાજ સિંહ (ઉં.વ.૨૦) અને સૈફત (ઉં.વ.૨૧) માર્યા ગયા હતા. રણમેદાનમાં નિશાન સાધીને તોપના ગોળા કેવી રીતે છોડવા તેની અગ્નીવીરોને તાલીમ આપવામાં આવી રહી હતી એ વખતે આ દુર્ઘટના બની હતી.
નાસિક આર્ટીબરી સેન્ટરના સત્તાવાળા તરફથી આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ તોપનો ગોળો ફાટતા બંને અગ્નીવીર ગંભીર રીતે ઘાયલ થવાથી તરત જ દેવલાલીની એમ.એચ. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટના બાદ હવાલદાર અજિતકુમારની ફરિયાદને આધારે દેવલાલી કેમ્પ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.