ડ્રગ ક્વીન બેબી પાટણકર દ્વારા સસ્તાં સોનાના નામે 2 કરોડની ઠગાઈ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ડ્રગ ક્વીન બેબી પાટણકર દ્વારા સસ્તાં સોનાના નામે 2 કરોડની ઠગાઈ 1 - image


ડ્રગ કેસમાં જામીન પર છૂટયા બાદ નવું કારસ્તાન

કસ્ટમ વિભાગે પકડેલું સોનું લીલામમાં ખરીદી સસ્તા ભાવમાં વેચતા હોવાની લાલચ વેપારીને આપી

મુંબઇ : ડ્રગ-ક્વીન શશીકલા પાટણકર ઉર્ફે બેબી પાટણકરનું એક નવું કારનામું સામે આવ્યું છે. થોડા વર્ષો  પહેલા ડ્રગ્સના ગુનામાં જામીન પર છૂટેલ બેબી પાટણકરે તેના એક સાથીદાર સાથે મળી એક વેપારી સાથે બે કરોડ રૃપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

 બેબી પાટણકરે ફરિયાદી કિરીટ ચૌહાણને કસ્ટમ વિભાગે પકડેલું સોનુ સસ્તામાં આપવાની લાલચ આપી આ ઠગાઇ આચરી હતી. આ પ્રકરણે ચૌહાણની ફરિયાદને આધારે મુંબઇ પોલીસે બેબી અને તેના સાથીદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા વર્ષો પહેલા ડ્રગ્સ લે-વેચના ધંધામાં જામીન પર છૂટેલી બેબીએ થોડા સમય પહેલા કસ્ટમે પકડેલું સોનું તેઓ લીલામમાં ખરીદી સસ્તામાં વેચતા હોવાનું જુઠ્ઠાણુ એક વેપારી સમક્ષ ચલાવી તેના સાથીદાર પરશુરામ મુંડે (૪૫) સાથે મળી વેપારી સાથે બે કરોડની ઠગાઇ આચરી હતી. ચૌહાણના એક પરિચિત વ્યક્તિએ મુંડે સાથે તેની ઓળખાણ કરાવી હતી. મુંડેએ વેપારીને જણાવ્યું હતું કે તે પુણે નજીક એક ગોલ્ડ કંપની ધરાવે છે અને સોનાની લે- વેચનું કામ કરે છે. તેણે વેપારીને જણાવ્યું હતું કે આ સિવાય તેઓ કસ્ટમ વિભાગે પકડેલું સોનુ લીલામમાં ઓછી કિંમતમાં ખરીદી બજારભાવથી ઓછી કિંમતે લોકોને વેચે છે.

ફરિયાદી વેપારીને આ બાબતમાં રસ પડતા મુંડે વેપારીને બેબીના વરલીના ઘરે લઇ ગયો હતો અને અહીં વેપારીની ઓળખાણ બેબી સાથે કરાવી આપી હતી. બેબીએ આ સમયે વેપારીને સાત કિલો સોનું દેખાડયું હતું. આ સોનું જોઇ વેપારી તે ખરીદી કરવા તૈયાર થયો હતો અને એડવાન્સમાં બેબી અને તેના સાગરિતને ૧.૩૦ કરોડ રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ બાકી બચેલા ૭૦ લાખ રૃપિયા પણ ચૂકવી દીધા હતા. બે દિવસમાં સોનું આપવાનું જણાવી વેપારીને સોનું નહોતું આપ્યું કે તેણે ચૂકવેલી રકમ પણ નહોતી આપી. આ બાબતે પોતાની છેતરપિંડી થઇ હોવાનું બહાર આવતા વેપારીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણે મુંડે અને બેબી પાટણકર સાથે આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News