કોર્ટમાં મોડા પહોંચેલા 2 કોન્સ્ટેબલને ઘાસ કાપવાની સજા
પરભણી મેજિસ્ટ્રેટ કોર્ટે કરી અનોખી સજા
રિમાન્ડ માટે આરોપી હાજર કરવામાં વિલંબ થતાં શિસ્તના પગલાં લેવાયા
મુંબઈ : પરભણી જિલ્લામાં માનવત પોલીસ સ્ટેશનના હવાલદાર અને હેડ કોન્સ્ટેબલ હોલીડે કોર્ટ સમક્ષ ૩૦ મિનિટ મોડા પહોંચતાં કોર્ટે શિસ્તભંગની કાર્યવાહી કરીને બંનેને આખી જિંદગી યાદ રહે એવી સજા સંભળાવી છે. બંનેને પરિસરમાં ઘાંસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
બંને પોલીસ કોન્સ્ટેબલ રાત પાળીમાં હતા. રવિવારે ૨૨ ઓક્ટોબરે પરોઢિયે માનવત ખાતે બે શંકાસ્પદ વ્યક્તિને તાબામાં લીધા અને ધકપકડ કર્યા બાદ સવારે ૧૧ વાગ્યે હોલીડે કોર્ટમાં હાજર કરવાના હતા. પોલીસ સવારે ૧૧.૩૦ વાગ્યે કોર્ટમાં પહોંચતાં મેજિસ્ટ્રેટ કોર્ટે રોષે ભરપાઈને બંનેને પરિસરના ઘાસ કાપવાનો આદેશ આપ્યો હતો.
અસામાન્ય સજાને લઈને અસ્વસ્થ હવાલદારોએ આ બાબત વરિષ્ઠોને જણાવી હતી. ત્યારબાદ ૨૨ ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશન ડાયરીમાં તેની અધિકૃત નોંધ કરવામાં આવી અને તેનો વિગતવાર અહેવાલ વિભાગના ઉપરીને મોકલાયો હતો. પરભણીના ઈનચાર્જ સુપરિન્ટેન્ડન્ટ યશવંત કાળેઅ આ ઘટનાને સમર્થન આપ્યું હતું.