નાગપુરમાં એચએમપીવીના 2 કેસ મળ્યાઃ રાજ્યમાં ટાસ્ક ફોર્સની રચના
નાગપુરની 13 અને 7 વર્ષની બાળકી સ્વસ્થ
દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ કે પછી ફરજિયાત માસ્ક જેવાં પગલાંની હાલ કોઈ જરુર નથીઃ આરોગ્ય પ્રધાન
મુંબઇ - મહારાષ્ટ્રના નાગપુરમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (એચએમપીવી)ના બે કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આ વાયરસ સંદર્ભમાં એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. નાગપુરમાં મંગળવારે જે બે કેસ મળી આવ્યા હતા તે બંને બાળકી છે અને તેની વય ૧૩ અને ૭ વર્ષની છે. તેમની હાલત સ્થિર છે તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું.
સ્ત્રોતોથી જાણવા મળ્યું છે કે આ બંને બાળકીને કફ અને તાવ હતો. તેમના લક્ષણો થોડા જુદા હોવાથી તેમના સેમ્પલ એનઆઇવી (નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજિ)માં મોકલવામાં આવ્યા હતા. તેમની સારવાર ઘરે થઇ હતી અને હવે તેઓ સાજા થઇ ગયા છે. દરમ્યાન બીએમસીએ સ્પેશિયલ વોડર્સની રચના કરી છે.તેવું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આજે એક મીડિયા સંવાદમાં જણાવ્યું હતું કે જેજે હોસ્પિટલના ડીન ડૉ. પલ્લવી સાયલે આ ટાસ્ક ફોર્સના વડાં રહેશે. એચએમપીવીના દર્દીઓને અલાયદા વોર્ડમાં રાખવાની અને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો ફરી લાગુ કરવા જોઇએ તેવા સૂચનોને તેમણે ફગાવી દીધા હતા.
તેમણે કહ્યું કે નાગપુરમાં અને અન્ય રાજ્યોમાં જે દર્દીઓની ઓળખ થઇ છે. તેમાંથી કહ્યું કોઇ ચીન ગયુ નથી. તેમણે કહ્યાું કે આ હકીકતનો અર્થ છે કે વાઇરસ વર્ષોથી આપણી વચ્ચે અસ્તિત્વમાં છે. આ વાઇરસ નવો નથી અને કોરોના-૧૯ જેવો જોખમી નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) દ્વારા કરાયેલા પરીક્ષણોની તેમણે જાણકારી આપી હતી. સમગ્ર દેશમાં ૮૦૫૨ સેમ્પલોનું પરીક્ષણ કરાયું હતું તેમાથી ૧૭૨ સેમ્પલમાં એચએમપીવી મળી આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે તમામ દર્દીઓની હાલત સામાન્ય હતી. તેમને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરુર પડી ન હતી. કોઇ પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું. આપણે ફક્ત જાગૃતિ ફેલાવવાની અને સાવચેતી વર્તવાની જરૃર છે. કેન્સર અને ન્યુમોનિયાના દર્દીઓને અને બાળકોને વિશેષ સાવચેતી રાખવાની જરૃર છે. કારણ કે તેમની પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે આઇસોલેશન અને માસ્ક જેવા રક્ષણાત્મક પગલાં પાછા ભરવામાં આવશે કે નહીં તેવું લોકો પૂછી રહ્યા છે. હું તેમને કહું છું કે આવી સાવચેતી લેવાની જરૃર નથી.
દરમ્યાન મહારાષ્ટ્રના આરોગ્ય સચિવ નિપુણ વિનાયકે કહ્યું કે દેશમાં શ્વસનતંત્રના કેસોની સંખ્યા વધી રહી છે. તે સામાન્ય છે તેમાં તમામ કેસ એચએમપીવીના કેસ નથી. ઇન્ફલ્યૂઅન્ઝા, રેસ્પિરેટરી સિન્સિશિયલ વાઇરસ (આરએસવી) વિગેરેના વાઇરસ પણ આ દર્દીઓમાં મળી આવ્યા છે.