બેંક મેનેજરની 3 પોલીસ જવાનો સાથે 2.31 કરોડની ઠગાઈ, 1 જવાન લાપતા
જીવનનો અંત લાવી રહ્યો હોવાની ચિઠ્ઠી લખી ગુમ થઈ ગયો
વાશીના બેન્ક મેનેજરે ખાલાપુરમાં જમીનની લાલચે 3 પોલીસ કર્મચારીઓ પાસે પૈસા પડાવ્યા તપાસમાં પ્રગતિ ન થતાં પોલીસ જવાન નાસીપાસ
મુંબઇ : વાશીના એક બેંક મેનેજર જમીન અપાવવાને બહાને ત્રણ પોલીસકર્મીઓ સાથે રૃા. ૨.૩૧ કરોડની છેતરપિંડી આચરી હતી. આ ઘટના બાદ જમીન કે પૈસા કાંઇ ન મળતા નાસીપાસ થયેલા એક પોલીસકર્મી સુંદરસિંહ શીતલસિંહ ઠાકુરે જીવનનો અંત લાવી રહ્યો હોવાની ચીઠ્ઠી લખી ગુમ થઇ જતા ભારે ખળભળાટ મચી ગયો છે.
આ સંદર્ભે કળંબોલી પોલીસ મથકમાં ઠાકુર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર નવી મુંબઇના વાશીની એક બેંકના મેનેજર રમાકાંત પરિડાએ ત્રણ પોલીસકર્મીઓ સાથે છેતરપિંડી કરી હતી તેમાંથી એક ગુમ થયેલો પોલીસકર્મી ઠાકુર પણ હતો. ઠાકુર ઉરણ પોેલીસ મથકમાં ફરજ બજાવે છે અને ઠાકુર તેમજ અન્ય બે જણની ઓળખાણ ચાર વર્ષ પહેલા પરિડા સાથે થઇ હતી. પરિડાએ આ ત્રણેયને ખાલાપુરમાં સારી જમીન મેળવી આપવાની લાલચ આપી ત્રણેયને તેના પાસે પૈસા રોકવા જણાવ્યું હતું. ઠાકુરે પરિડાની વાતોમાં આવી તેણે ૧.૦૮ કરોડ, બીજા પોલીસ કર્મીએ ૮૫ લાખ અને ત્રીજા પોલીસકર્મીએ ૪૮ લાખ રૃપિયા પરિડાને આપ્યા હતા. આ રકમ લીધા બાદ પરિડાએ ના જમીન આપી હતી કે નાતો મૂળ રકમ પાછી આપી હતી.
ઠાકુરે પરિડાને આપવા મોટી રકમ બેંક લોનના માધ્યમથી મેળવી હોવાથી તેણે પરિડા પાસેથી આપેલી રકમની સતત માગણી કરી હતી. અંતે કંટાળીને ઠાકુરે પરિડાના વિરોધમાં નેરુળ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. જો કે ત્યારબાદ પણ આ મુદ્દે કોઇ ઉકેલ ન આવતા ઠાકુર તણાવમાં આવી નાસીપાસ થઇ ગયો હતો અને તેણે કામે જવાનું પણ બંધ કરી દીધું હતું. મંગળવારે સવારે તેણે પાછો કામે જઇ રહ્યો હોવાનું પરિવારને કહ્યું હતું અને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ ઠાકુરની પત્નીએ ઉરણ પોલીસ મથકમાં ફોન કરી ઠાકુર બાબતે પૂછપરછ કરતા તે કામ પર આવ્યો જ નહોવાનું કહેવામાં આવ્યું હતું.
આ વાતથી ઠાકુરની પત્ની ચિંતામાં મૂકાઇ ગઇ હતી અને તેણે ઘરમાં તપાસ કરતા ઠાકુરે લખેલી ચાર પાનાની ચીઠ્ઠી મળી આવી હતી જેમાં પરિડાએ મોટી રકમની છેતરપિંડી કરી હોવાથી તે જીવનનો અંત લાવવા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ ચીઠ્ઠી મળતા જ ઠાકુરની પત્ની કળંબોલી પોલીસ મથકમાં ધસી ગઇ હતી અને ઠાકુરના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરમે કળંબોલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.