રિઝર્વ બેન્કમાં નોકરીના નામે 27 લોકો સાથે 2.24 કરોડની ઠગાઈ
નવી મુંબઈ પોલીસ દ્વારા ગુનો નોંધાયો
આરબીઆઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરીના નામે પૈસા લઈ પલાયન
મુંબઈ : નવીમુંબઈ પોલીસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી આપવાના બહાને ૨૭ વ્યક્તિ સાથે રૃા.૨.૨૪ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર એક યુવક સામે કેસ દાખલ કર્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે ફરાર આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે.
ઐરોલીમાં રહેતા સદાનંદ ભોસલે (ઉ.વ.૪૧)એ આરબીઆઈમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી આપવાના સ્વપ્ન દાખવ્યા હતા. તેની વાત પર વિશ્વાસ કરીને ૨૭ વ્યક્તિને નોકરી માટે સપ્ટેમ્બર ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન રૃા.૨.૨૪ કરોડ આપ્યા હતા.
પરંતુ તેમને નોકરી કે પૈસા પાછા મળ્યા નહોતા. તમામ પીડિત તરફથી મળેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા ખારઘર પોલીસે ભોસલે વિરૃદ્ધ છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 'પીડિત વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા થયેલા વિલંબના કારણનો ઉલ્લેખ કર્યો નથી. નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૩ હવે આ મામલાની તપાસ કરી રહી છે.