1993ના બોમ્બ ધડાકાના કેસની 3જા તબક્કાની સુનાવણી શરૃ
શહેરને હચમચાવી નાખનારા 12 ઘાતક વિસ્ફોટોનો કેસ
અગાઉના 2 તબક્કામાં સુનાવણી બાદ 106 આરોપીને કસૂરવાર ઠેરવાયા હતા, યાકુબને ફાંસી થઈ, અબુ સાલેમનું પ્રત્યાર્પણ થયું
મુંબઈ : ૧૯૯૩ના બોમ્બ ધડાકાની સુનાવણીનો ત્રીજો તબક્કો વિશેષ કોર્ટમાં આજે સોમવારથી શરૃ થયો છે. આ સુનાવણી ફરાર હતા અને વિવિધ સમયે પકડાયા હોય એવા સાત આરોપી સામે છે.
બે તબક્કાની સુનાવણીમાં કોર્ટે ૧૦૬ આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા જેમાં જુલાઈ ૨૦૧૫માં ફાંસીએ ચડાવાયેલા યાકુબ મેમણનો અને પોર્ટુગલથી ૨૦૦૫માં પ્રત્યાર્પિત કરીને લવાયેલા ગેન્ગસ્ટર અબુ સાલેમનો સમાવેશ થાય છે.
૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ શહેરના વિવિધ ભાગોમાં ૧૨ બોમ્બ ધડાકા થયા હતા જેમાં ૨૫૭ માણસો માર્યા ગયા હતા અને ૭૦૦થી વધુ ઘવાયા હતા. એ સમયે વિશ્વનો સૌથી ઘાતક આતંકી હુમલો હતો.
બે સાક્ષીના નિવેદન નોંધવા સાથે સોમવારે વિશેષ ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ જજ વી. ડી. કેદાર સમક્ષ સુનાવણી શરૃ થઈ હતી. સાત આરોપીઓમાં ફારુક મન્સૂરી ઉર્ફે ફારુક ટકલા, અહેમદ લંબુ, મુનાફ હાલારી, અબુ બકર, સોહેબ કુરેશી, સઈદ કુરેશી અને યુસૂફ બટકાનો સમાવેશ થાય છે. મન્સૂરીએ લંબુ, બકર, કુરેશી અને બટકાને આવવા જવા તથા રહેવાની સુવિધા કરી હોવાનો આરોપ છે. ચારે પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલીમ લેવા ગયા હતા.ધડાકામાં વપરાયેલું સ્કૂટર ખરીદવાનો હાલારી પર આરોપ છે. સરકારી પક્ષ ૪૧ સાક્ષી તપાસે એવી શક્યતા છે.હજી કેસના ૨૬ આરોપી ફરાર છે. પહેલા તબક્કાની સુનાવણીમાં ૨૦૦૭માં ૧૦૦ને કસૂરવાર ઠેરવાયા હતા.