2023માં મુંબઇમાં ફ્લુના 1900 કેસ : મહારાષ્ટ્રમાં 37નાં મૃત્યુ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
2023માં મુંબઇમાં ફ્લુના 1900 કેસ :  મહારાષ્ટ્રમાં 37નાં મૃત્યુ 1 - image


મોટાભાગના દર્દીઓને સ્વાઈન ફલૂનાં લક્ષણ

સરકારી દફતરે નોંધાયેલા દર્દીઓ કરતાં વાસ્તવિક સંખ્યા અનેક ગણી હોઈ શકે

 મુંબઇ :  મહારાષ્ટ્ર સરકારના જાહેરઆરોગ્ય ખાતાનાં સૂત્રોના કહેવા મુજબ ૨૦૨૩માં  રાજ્યમાં ફ્લુ(ઇન્ફલુએન્ઝા)ને કારણે ૩૭ દરદીઓનાં મૃત્યુ થયાં  છે. ફ્લુથી સૌથી વધુ  ૧૮ દરદીઓ નાગપુર જિલ્લામાં મૃત્યુ પામ્યાં છે. ત્યારબાદ કોલ્હાપુર  જિલ્લામાં   છ(૬)અને પુણે જિલ્લામાં ચાર(૪), સાતારા જિલ્લામાં ત્રણ(૩), અકોલા જિલ્લામાં બે(૨), નાશિક અને અહમદનગર જિલ્લામાં એક-એક  દરદીઓ મૃત્યુ પામ્યાં છે.  

આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ  આપી હતી કે  ૨૦૨૩માં  મુંબઇ મહાનગરમાં  ફ્લુનાં ૧,૯૦૦ કેસ નોંધાયા છે , જે આખા રાજ્યમાં સૌથી વધુ છે.જોકે એક પણ દરદીનું મૃત્યુ થયું નથી. વળી, અમે ફ્લુનાં  સચોટ  લક્ષણો ધરાવતાં અને શંકાસ્પદ હોય તેવાં દરદીઓની માહિતી  તૈયાર કરી છે. ફ્લુનાં દરદીઓમાં તાવ, કફ, શરદી,ગળામાં બળતરા,ન્યુમોનિયા વગેરે લક્ષણો હોય છે.

આ આંકડાકીય માહિતી દ્વારા એમ કહી શકાય કે આખા મહારાષ્ટ્રમાં ૨૦૨૩ના જાન્યુઆરીથી ફ્લુનાં ૧૬ લાખ  દરદીઓએ સારવાર લીધી છે.આ આંકડો રાજ્યની કુલ વસતિના ૧૩ ટકા જેટલો છે. વળી, તબીબી પરીક્ષણ દ્વારા કુલ ૩,૨૧૮ દરદીઓમાં ફ્લુનાં સચોટ લક્ષણો  જોવા મળ્યાં હતાં. ચિંતાજનક બાબત તો એ છે કે આ તમામ દરદીઓમાં એચ૧એન૧(સ્વાઇન ફ્લુ)  નાં અને   એચ૩એન૨નાં પણ લક્ષણો જોવા મળ્યાં છે.એચ૩એન૨નાં લક્ષણો ઇન્ફલુએન્ઝા એ જેવાં  છે.

આ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે આંકડાકીય વિગતો એમ કહે છે કે એચ૩એન૨ દ્વારા ૨,૦૩૫ દરદીઓમાં ચેપ ફેલાયો હતો, જ્યારે એચ૧એન૧ (સ્વાઇન ફ્લુ)દ્વારા ૧,૧૮૩ દરદીઓમાં  ચેપ ફેલાયો હતો. આમ છતાં ચિંતાજનક બાબત તો એ બની કે સ્વાઇન ફ્લુને કારણે ૨૯ દરદીઓનાં મૃત્યુ થયાં  હતાં, જે ફ્લુનાં દરદીઓના ૭૮ ટકા હતાં.

મહારાષ્ટ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ એવી  માહિતી  આપી હતી કે રાજ્યમાં ફ્લુના કેસની  અને મૃત્યુ પામનારાં દરદીઓની સંખ્યા વધુ હશે કારણે કે જે આંકડાકીય વિગતો મળી છે તે જે દરદીઓનું તબીબી પરીક્ષણ થયું છે તેઓની જ છે. વળી, ફ્લુનાં મોટાભાગનાં દરદીઓએ તો પોતાની  રીતે જ સારવાર મેળવી હતી. નિષ્ણાત ડોક્ટરની સલાહ કે સારવાર લીધી નહોતી.

ચેપી રોગના એક નિષ્ણાત તબીબે એમ કહ્યું હતું કે તાપમાનમાં થતો વધારો-ઘટાડો, પ્રદૂષણ, ગંદકી, હવાની ખરાબ ગુણવત્તા વગેરે પરીબળોને કારણે ચેપી રોગનાં જંતુઓ ફેલાતાં  હોય છે.



Google NewsGoogle News