મુંબઈની બે મેડિકલ કૉલેજોના 180 વિદ્યાર્થીઓ પરીક્ષાની મંજૂરી નહીં

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
મુંબઈની બે મેડિકલ કૉલેજોના 180 વિદ્યાર્થીઓ પરીક્ષાની મંજૂરી નહીં 1 - image


મેડિકલ કૉલેજમાં 75 ટકા હાજરી પૂરાવી નહીં

જે વિદ્યાર્થીઓએ લેક્ચર્સ અને પ્રેક્ટિકલ્સનું પૂરતું જ્ઞાન ન લીધું હોય 

તે દર્દીને યોગ્ય સારવાર આપી શકે ખરાં? : કૉલેજોનો સવાલ

મુંબઈ :  વર્ગખંડમાં ઓછી હાજરીના કારણસર સાયનની લોકમાન્ય ટિલક મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલ તથા વિલેપાર્લેની ડૉ.આરએન કૂપર મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલના ૧૮૦ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની ના પાડી દેવાઈ છે. આથી આ વિદ્યાર્થીઓનું ભણતર બગડવાની પૂરી શક્યતાઓ નિર્માણ થઈ છે.

સાયન હૉસ્પિટલના ૧૨૫ અને કૂપર હૉસ્પિટલના ૫૫ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત થવાની સંભાવના છે. આ પરીક્ષા આવતે મહિને યોજવામાં આવી છે. વિદ્યાર્થીઓની પૂરતી હાજરી ન હોવાને કારણે કૉલેજોએ તેમને પરીક્ષામાં બેસવા નહિ દેવાય એવું જણાવતાં વિદ્યાર્થીઓએ કૉલેજ પર દબાણ લાવવા વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ પણ શરુ કર્યો છે. 

આ સંબંધે બંને કૉલેજોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી. પરંતુ તેમાંના કેટલાંક વિદ્યાર્થીઓનું કારણ ખરેખર યોગ્ય હોવાથી માનવીય દ્રષ્ટિએ તેમને પરીક્ષામાં બેસવા દેવાનો નિર્ણય લેવાયો. પરંતુ આ ૧૮૦ વિદ્યાર્થીઓ પાસે કોઈ યોગ્ય કારણ જણાયું નહીં. વળી, અત્યારે મેડિકલના વિદ્યાર્થીઓની માનસિકતા એવી છે કે પ્રેક્ટિકલ્સ અને થિઅરીમાં નહીં બેસીએ તો પણ ચાલશે. આથી આ વિચારધારા પણ તોડવી જરુરી છે. કારણ જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલ્સ કે થિઅરીનું જ્ઞાાન ન મેળવ્યું હોય તેને અધૂરા જ્ઞાાન સાથે કોઈ દર્દીના જીવ સાથે રમવાની પરવાનગી જરાય આપી શકાય નહીં. અમે વિદ્યાર્થીઓ એડમિશન લે ત્યારે કાઉન્સિલિંગ કરીએ છીએ, વાલીઓના વૉટ્સએપ ગુ્રપમાં પણ વિદ્યાર્થીઓની હાજરી નાંખીએ છીએ. છતાં આવું થાય તે ચલાવી શકાય નહિ.

મેડિકલ ક્ષેત્રમાં થિઅરી પેપર આપવા વિદ્યાર્થીની ૭૫ ટકા અને પ્રેક્ટિકલ સેશન માટે ૮૦ ટકા હાજરી હોવી ફરજિયાત છે. છતાં થોડુંઘણું ઉપરનીચે ચલાવી લેવાય છે. પરંતુ સાવ ૩૫ થી ૪૦ ટકા હાજરી સાથે વિદ્યાર્થી પરીક્ષા આપવા આવે તે વાત જાહેર સેવાની દ્રષ્ટિએ જરાય ચલાવી લેવા જેવી નથી. ક્લિનિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીનું નિયમિત હોવું જરુરી છે, એવું નિષ્ણાતોનું કહેવું છે.  



Google NewsGoogle News