અમરાવતીમાં આઠ મહિનામાં 180 ખેડૂતોની આત્મહત્યા
માત્ર એક જ જિલ્લાનો ચોંકાવનારો આંકડો!
180માંથી 65 ખેડૂતોને જ મદદ માટે પાત્ર ઠેરવ્યા, 82 કેસ પ્રલંબિત તો 33 અપાત્ર
મુંબઈ : સતત દરવર્ષે આવતી કુદરતી આપત્તિ, ખેતીમાં ઘટતું ઉત્પાદન, ખેતીમાલની મળતી ઓછી કિંમત, લોનની ચિંતા વગેરે કારણસર આ વર્ષે ખરીફ પાકની મોસમમાં માત્ર અમરાવતી જિલ્લામાં જ સાડા ત્રણ મહિનામાં ૫૫ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જૂનમાં ૧૮, જુલાઈમાં ૧૯ અને ઑગસ્ટમાં ૧૮ આત્મહત્યા થઈ છે.
રાજ્યમાં ૨૦૨૪ની ખરીફની અડધી સીઝન પૂરી થઈ છે. તેમાં મગ, અડદ, સોયાબીનના પાક સાવ નકામા ગયાં છે. હવે કપાસ અને તુવેર ખેતરમાં છે પણ તેનેય વરસાદનો ફટકો લાગ્યો છે. સંતરા ઉત્પાદકોની સ્થિતિ પણ આવી જ છે. એવામાં જાન્યુઆરીથી ઑગસ્ટના આઠ મહિનામાં અમરાવતી જિલ્લામાં ૧૮૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મહિનાનુસાર જોવા જઈએ તો, જાન્યુઆરીમાં ૨૨, ફેબુ્રઆરીમાં ૨૬, માર્ચમાં ૩૫, એપ્રિલમાં ૨૨, મેમાં ૨૦, જૂનમાં ૧૮, જુલાઈમાં ૧૯ અને ઑગસ્ટમાં ૧૮ ખેડૂતોએ કોઈને કોઈ કારણસર આત્મહત્યા કરી છે. જાન્યુઆરીથી ઑગસ્ટના આઠ મહિનામાં જિલ્લામાં ૧૮૦ ખેડૂતોએ આત્મહત્યા કરી તેમાંના માત્ર ૬૫ ખેડૂતોને જ સરકારી મદદ માટે પાત્ર ઠેરવાયા છે. તેમાંથીય માત્ર ૪૯ ખેડૂતોના પરિવારને જ મદદ અપાઈ છે. આત્મહત્યાના ૮૨ કેસ પ્રલંબિત છે અને ૩૩ કેસ અપાત્ર ઠેરવ્યાં છે.