કાર સાથે અકસ્માતના બહાને 23 લાખનું સ્ટીલ ભરેલાં 18 વ્હીલનાં ટ્રેલરની ચોરી
4 તસ્કરો ટ્રેલર ચાલકને માર મારી નીચે ઉતારી ટ્રેલર સાથે ફરાર
સ્ટીલના વેપારીઓએ વિશેષ પોલીસ સુરક્ષાની માગણી કરીઃ ગેરકાયદે સ્ક્રેપના ડીલરોની સંડોવણીનો આરોપ
મુંબઈ : નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર ટ્રક ટ્રેલરોમાંથી થતી સ્ટીલની ચોરીની ઘટનાઓએ વેપારીઓની ચિંતા વધારી છે. વેપારીઓ માટે વાહનોમાંથી સ્ટીલની ચોરીની ઘટનાઓ માથાનો દુખાવો બની ગઈ છે. તેવામાં ૧૩ નવેમ્બરના રોજ ચોરટાઓ નેરુલના ઉરણ ફાટા બ્રિજ પાસેથી ૨૩ લાખ રૃપિયાનું સ્ટીલ લઈ જતા એક ટ્રેલરને ઉઠાવી જતા વેપારીઓ રોષે ભરાયા છે. આ ઘટના બાદ સ્ટીલના વેપારીઓએ આવા બનાવને રોકવા કડક પોલીસ કાર્યવાહીની માગ કરી છે. આ ઉપરાંત આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વધારાની પોલીસ સુરક્ષાની માગણી કરી છે. વેપારીઓએ દાવો કર્યો હતો કે ગેરકાયદે સ્ક્રેપ ડીલરો નિયમિતપણે આવી ચોરીઓ કરે છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ નેરુલના ઉરણ ફાટા બ્રિજ પાસેથી ૨૩ લાખની કિંમતના સ્ટીલ સાથે એક ટ્રેલર તળોજાથી નીકળી પવઈ તરફ સ્ટીલની ડિલિવરી માટે આગળ વધી રહ્યું હતું ત્યારે મુંબઈ-પુણે લેન પર નેરુલના ઉરણ ફાટા બ્રિજ પાસે કારમાં આવેલા ચાર શખ્સોએ ટ્રેલરને અટકાવ્યું હતું અને દાવો કર્યો હતો કે ટ્રેલરના અથડાવાથી તેમની કારને નુકસાન પહોંચ્યું છે. આ સમગ્ર ઘટના બાબતે ટ્રેલરના માલિક મોહમ્મદે જણાવ્યું હતું કે કારમાંથી ઉતરીને ટ્રેલર તરફ ધસી આવેલા શખ્સોએ ટ્રેલરના ડ્રાઇવરને નીચે ઉતરવાનું કહ્યું હતું, પણ તે નીચે ન ઉતરતા આરોપીઓ ટ્રેલર પર ચઢી ગયા હતા અને ડ્રાઇવર તેમ જ ક્લીનરને માર-મારી નીચે ઉતારી મૂકી ટ્રેલર સાથે ભાગી છૂટયા હતા.
આ ઘટના બાદ સ્ટીલના વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાએ સ્ટીલના વેપારીઓની સુરક્ષાની ચિંતા વધારી દીધી છે. વેપારીઓએ દાવો કર્યો હતો કે આ પ્રકારની ચોરીઓ લગભગ રોજનો માતાનો દુઃખાવો બની ગઈ છે. ગેરકાયદે સ્ક્રેપ ડીલરો નિયમિતપણે આવી ચોરીઓ કરાવે છે. દરેક કન્સાઇનમેન્ટમાંથી સરેરાશ એક મેટ્રિક ટન સ્ટીલની નિયમિત ચોરી થાય છે. જોકે હવે આખે-આખું ટ્રેલર ચોરી થઈ જતા ગેરકાયદે સ્ક્રેપ ડીલરોની લોબી કેવી બેફામ બની ગઈ છે તેની જાણ થાય છે. વેપારીઓનું કહેવું છે કે સ્ટીલ સેક્ટર ૧૫ ટકા જીએસટી ચૂકવે છે તેથી સરકારે તેમને જરૃરી સુરક્ષા પૂરી પાડવી જોઈએ અને વેપારીઓને કનડતા આવા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ બાબતે કલંબોલી સ્ટીલ માર્કેટના વેપારી દિપક સિંહે નવી મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ બાબતે હાઇકોર્ટમાં જવાનંુ વિચારી રહ્યા છે. તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ૧૯ લાખની કિંમતનું સ્ટીલ ભરેલું ટ્રેલર ચોરાઈ ગયું હતું. આ ઘટના બાદ આસનગાવ પોલીસ મથકમાં ફરિયાદ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રેલરને પોલીસે શોધી કાઢ્યું હતું, પણ પાંચ લાખના સ્ટીલના સામગ્રીની રિકવરી હજી બાકી છે.