Get The App

50 લાખની કાંડા ઘડિયાળની દાણચોરી માટે 18 લાખ ભરવા પડયા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
50 લાખની કાંડા ઘડિયાળની દાણચોરી માટે 18 લાખ ભરવા પડયા 1 - image


કેરળના વેપારી દુબઈથી લાવ્યા  હતા

પુણે એરપોર્ટ પર ગ્રીન ચેનલમાં અટકાવાતા જૂની ઘડિયાળ હોવાનું બહાનું કાઢયું 

મુંબઇ :  દુબઇથી ૫૦ લાખની લકઝરી કાંડા ઘડિયાળ દાણચોરીથી લાવનાર કેરળના એક વેપારીને પુણે એરપોર્ટ પર ૧૮ લાખ રૃપિયાની ડયુટી ભરવી પડી હતી. વેપારીને ડયુટી  ફી ઉપરાંત ૬૧.૫ ટકાનો દંડ પણ ભરવો પડયો હતો.

એક ચોક્કસ બાતમીના આધારે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ બુધવારે સવારે દુબઇથી પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા એક પેસેન્જરને અટકાવ્યા હતા. વેપારી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે હતા. દુબઇની ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ વેપારીએ તેમના પાસેની વૈભવી ઘડિયાળ બાબતે કંઇપણ જાહેર કર્યા વિના ગ્રીન ચેનલમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેમને રોક્યા હતા અને તેમણે પહેરેલી વૈભવી ઘડિયાળ વિશે પૂછપરછ કરી હતી. શરૃઆતમાં વેપારીએ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે આ તો તેમની જૂની ઘડિયાળ છે. જો કે અધિકારીઓને ચોક્કસ માહિતી હોવાથી તેમણે વેલ્યુઅરને બોલાવ્યા હતા જેમણે ઘડિયાળની સિરીયલ નંબર તપાસી આ વૈભવી ઘડિયાળ વર્ષ ૨૦૨૪ની જ એકદમ નવી શ્રેણીની ઘડિયાળ હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ ઘડિયાળની કિંમત લગભગ ૪૮ લાખ હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. વેપારીના સામાનની તપાસમાં આ ઘડિયાળની ખરીદી બાદ જારી કરવામાં આવેલ ઇન્વોઇસ પણ મળી આવી હતી. ભંગારના વેપારમાં સંકળાયેલ આ વેપારી અંતે રૃા. ૧૮.૫૭ લાખની ડયુટી ભરવા સંમત થયા હતા અને એરપોર્ટ પર જ ડયુટીની રકમ ચૂકાવી દીધી હતી. ત્યારબાદ તેમને સત્તાવાર કસ્ટમ્સ સર્ટિફિકેટ સાથે આ ઘડિયાળ સોંપવામાં આવી અને જવા દેવામાં આવ્યા હતા.



Google NewsGoogle News