સિડકોની જમીન બારોબાર વેચી 18 કરોડની ઠગાઈઃ બેની ધરપકડ
સિડકો અને મહેસૂલી અધિકારીઓની પણ સંડોવણીની આશંકા
સિડકોએ હસ્તગત કરેલી જગ્યાનું વળતર લીધું અને બાદમાં બનાવટી દસ્તાવેજો બનાવી વેચી મારી
મુંબઈ - નવી મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારની એજન્સી સિડકોની માલિકીની જમીન ગેરકાયદેસર રીતે બિઝનેસમેનને વેચીને લગભગ રૃ.૧૮ કરોડની છેતરપિંડી કરવા બદલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
સીટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) અને મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓની ભૂમિકાની પણ ગુનામાં આરોપીઓને કથિતરૃપે મદદ કરવા માટે તપાસ થઈ રહી છે.
નવી મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત ષડયંત્રના આરોપસર મુઆઝઝમ મકસૂદ ભાઈની અને ઈબ્રાહિમ ભાઈજીની ધરપકડ કરી છે.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની મિલકત સિડકો દ્વારા હસ્તગત કરવામાં આવી છે. જેના માટે તેમને વળતર મળ્યું હતું. પરંતુ પાછળથી તેમણે કથિત રીતે પ્રોપર્ટીના બનાવટી દસ્તાવેજો બનાવ્યા અને પ્લોટ વેપારીને વેચી દીધો હતો.
પોલીસે આરોપીઓના સાથીદાર તુલસી જશ્નાની અને ગૌતમને પણ શોધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ અન્ય એક આરોપી મહેશ અલીમ ચંદાનીનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું.
બિઝનેસમેન વિનય ચાવલાએ ગયા વર્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેને પ્લોટમાં નાણાનું રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે 'આરોપી તુલસી, મહેશ, અમુક સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટ અને ધરપકડ કરાયેલા મુઆઝઝમ, ઈબ્રાહિમે તેને બનાવટી એનઓસી (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) અને પ્રોપર્ટીના બનાવટી દસ્તાવેજો આપ્યા હતા. આ ગુનામાં સામેલ રિયલ એસ્ટેટ એજન્ટએ અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.