'મૃત્યુ પછી શું થાય છે' વિશે ઓનલાઈન સર્ચ કરી 17 વર્ષીય સગીરાની આત્મહત્યા
ઓનલાઈન ગેમિંગનું વ્યસન અને વિદેશી સંસ્કૃતિનું આકર્ષણ
નાગપુરમાં આરબીઆઈના ઉચ્ચ અધિકારીની દીકરીએ 'સ્ટોન બ્લેડ નાઈફ'થી કાંડાને કાપી બે ક્રોસ માર્ક બનાવી ગળું ચીરી નાખ્યું
મુંબઈ - મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ 'મૃત્યુ પછી શું થાય છે' વિશે ઓનલાઈન સર્ચ કર્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. ઓનલાઈન સ્ટોન બ્લેડ નાઈફ મંગાવી સગીરાઓ પોતાના કાંડાને કાપી નાખી ક્રોસ માર્કસ બનાવ્યા તેમજ ગળુ ચીરી નાખ્યું હતું. એમ મંગળવારે પોલીસે જણાવ્યું હતું. ૧૨મા ધોરણમાં ભણી કિશોરીના પિતા આરબીઆઈના રિજનલ ડાયરેક્ટર છે. તે માતાપિતાનું એકમાત્ર સંતાન હતી. આ વિદ્યાર્થિની વારંવાર મૃત્યુ અને વિદેશી સંસ્કૃતિ વિશે માહિતી શોધતી હતી.
તેણે આત્મહત્યા માટે ઓનલાઈન સ્ટોન બ્લેડ નાઈફ મંગાવ્યું હતું. એનાથી પોતાના હાથના કાંડાને કાપી નાખી ક્રોસના નિશાન બનાવ્યા હતા. પછી આ ચાકૂથી પોતાનું ગળુ કાપી નાખ્યંુ હતું.
સગીરાની માતા બેડરૃમમાં ગઈ તે સમયે પુત્રી લોહીથી લથપથ હાલતમાં મળી હતી.
આ બનાવની જાણ થતા પોલીસ તપાસ માટે પહોંચી ગઈ હતી.
ઘંસોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે 'તેમણે મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તેને તપાસતી વખતે ખબર પડી કે કિશોરીએ 'મૃત્યુ પછી શું થાય છે' વિશેની માહિતી મેળવવા માટે ગુગલ પર સર્ચ કરી રહી હતી. તેણે પોતાની ડાયરીમાં વિદેશી સંસ્કૃતિઓ વિશે વિસ્તૃત રીતે લખ્યું હતું.
પોલીસને જાણવા મળ્યું હતું કે 'સગીરાને ખાસ કરીને યુરોપિયન સંસ્કૃતિમાં રસ હતો. તે છેલ્લા ઘણા સમયથી મૃત્યુ વિશે સર્ચ કરી રહી હતી. આ સૂચવે છે કે તે ઘણા અઠવાડિયાથી આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી.
છોકરીએ કાંડા પર પાંચ કટ કર્યા હતા. જેમાં બે ક્રોસના નિશાન હતા. તેણે પોતાનું ગળુ પણ ચીરી નાખ્યું હતું.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી ઓનલાઈન ગેમિંગની વ્યસની હતી. તેણે પથ્થરની બ્લેડ અને લાકડાના હેન્ડલ સાથેના ચાકૂનો આત્મહત્યા માટે ઉપયોગ કર્યો હતો. તે સ્થાનિક બજારમાં મળતું નથી. પોલીસે શંકા છે કે મૃતકે ઓનલાઈન ચાકૂ મંગાવ્યું હતું. પોલીસે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરી રહ્યા છે.
આ વિદ્યાર્થિની માતા-પિતા સાથે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર અને પહેલા માળે તેના કાકા, દાદી રહેતા હતા. ઘંસોલી પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.