17 વર્ષની તરુણી 7 વર્ષ મોટી યુવતી પ્રેમમાં પડયા બાદ ફરાર, રિસોર્ટમાંથી પકડાઈ
તરુણી પુખ્ત નહિ હોવાથી યુવતી સામે રેપ, અપહરણનો કેસ
પરીક્ષા આપવા આવી હોવાનું કહી વિરારમાં રુમ મેળવ્યોઃ મોબાઈલ બંધ કરી નવું સીમકાર્ડ મેેળવી લીધું હતુઃ ઘરે જવા તરુણીનો ઈનકાર
મુંબઇ - દક્ષિણ મુંબઇના એક પોલીસ સ્ટેશને તાજેતરમાં ૧૭ વર્ષની એક સગીરાના અપહરણ અને બળાત્કારના આરોપસર ૨૪ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. સગીરાના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ ફરિયાદ બાદ બન્નેના મોબાઇલ ચેક કરતા બન્નેના મોબાઇલ બંધ આવતા હતા. અંતે પોલીસે ટેકનિકલ બાબતોના આધારે સગીરા અને મહિલાને વિરારના એક રિસોર્ટમાંથી શોધી કાઢી હતી. તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. તબીબી અહેવાલના આધારે પોલીસે આ કેસમાં બળાત્કારની કલમ પણ ઉમેરી હતી.
આ બાબતે પોલીસ સૂત્રોનુસાર દક્ષિણમુંબઇમાં દાદી સાથે રહેતી ૧૭ વર્ષની સગીરા ૭ જાન્યુઆરીએ વહેલી સવારે કોલેજમાં જવા નીકળી હતી. સગીરાના માતા-પિતા પૂર્વ ઉપનગરમાં રહે છે. સગીરાની માતાને પાછળથી પુત્રી તરફથી એવો મેસેજ મળ્યો હતો કે પોતે ઘર છોડી ગઇ છે અને તેમણે કોઇ ચિંતા કરવી નહીં. આ મેસેજ મળતા તેની માતા ચિંતાતુર બની ગઇ હતી અને તેની ઘણી શોધખોળ છતાં તેની કોઇ ભાળ મળી નહોતી. ત્યાર બાદ પરિવારે પોલીસનો સંપર્ક કરતા છોકરી સગીર હોવાથી અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમય દરમિયાન છોકરીની કાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ પોસ્ટ કરી તેની ભત્રીજી ગુમ થઇ હોવાનું જણાવ્યું હતું. આ તરત પોલીસ ટેકનિકલ અને ગુપ્ત માહિતી પર કામ શરૃ કર્યું હતું અને મહિલાનું નામ અને અન્ય માહિતી મેળવી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાએ વિરારની એક હોટલમાં ફોન કર્યો હતો અને તે હોટલમાં પહોંચી ગયા હતા. જોકે બે યુવતીઓ આવી હોવાનું જાણી તેમને કોઇ રુમ આપવામાં આવી નહોતી. આ સમયે પોલીસે સીસીટીવી ચેક કરતા મહિલા અને સગીરા બન્ને નજરે પડયા હતા.
ત્યાર બાદ પોલીસે ઓટોરિક્ષા ડ્રાઇવરોની પૂછપરછ કરતા એક ઓટો ચાલકે બન્નેને બસડેપો પાસે ઉતાર્યા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન મહિલાએ નવુ સીમકાર્ડ મેળવ્યું હોવાની જાણ પોલીસને થઇ હતી. પોલીસે આ વાત પકડી તપાસ કરતા તેને સીમકાર્ડ આપનાર મળી આવ્યો હતો અને મહિલાના નવા નંબરની જાણ થઇ હતી.
પોલીસે ભારે જહેમત બાદ સગીરા અને મહિલાને વિરારના એક રિસોર્ટમાંથી પકડી પાડયા હતા. આ બન્નેએ રિસોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ બન્ને બહેનો છે અને પરીક્ષા આપવા વિરાર આવી છે તેથી તેમને રૃમ ફાળવવામાં આવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને બળાત્કારની કલમ તેમજ પોક્સોની કલમ પણ ઉમેરી હતી.
આ બન્નેની પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક બીજાના પ્રેમમાં હતા પોલીસે મહિલાની ધરપકડ કર્યા બાદ સગીરાએ ઘરે જવાનો ઇનકાર કરતા તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવી હતી જ્યારે મહિલાને ભાયખલાની મહિલા જેલમાં રવાના કરવામાં આવી હતી. તેની જામીન અરજી પર સુનાવણી પાંચ ફેબુ્રઆરીના હાથ ધરાશે તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.