17 વર્ષની પુત્રી બળાત્કારે ગર્ભવતી બની, માં-બાપે બાળક વેચી માર્યું
2 વાર બાળકને જન્મઃ બળાત્કારી પાસેથી 4 લાખ લઈ સમાધાન
નાલાસોપારાની તરુણી પ્રેમી દ્વારા રેપ અને માં-બાપની લાલચનો ભોગ બનીઃ તેમને સાથ આપનારા 2 ડોક્ટર, માજી નગરસેવિકા સહિત 16 સામે ગુનો
મુંબઈ : નાલાસોપારામાં ૧૭ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજારવામાં આવતા બે વખત સગર્ભા બની હતી અને બે બાળકને જન્મ આપ્યો હતો. માનવતાને લજવે તેવી ઘટના એ છે કે બળાત્કારનો ભોગ બનેલી દીકરીનાં બાળકને ખુદ તેના માં-બાપે જ અન્ય આરોપીઓની મદદ લઈ વેચી પણ દીધું હતું. આ મામલામાં પીડિતાના માતા, પિતા, બળાત્કાર ગુજારનારા બે યુવક, પ્રસુતી કરાવનાર બે ડૉક્ટર, માજી નગરસેવિકા એક એડવોકેટ સહિત ૧૬ જણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આચોળે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'નાલાસોપારામાં રહેતી ૧૭ વર્ષીય રેખા (નામ બદલ્યું છ) સ્થાનિક યુવકે બે વર્ષ પહેલા લગ્નના સ્વપ્ન દાખવીને વારંવાર પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. જેના લીધે સગર્ભા બની હતી. આ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એક ભૂતપૂર્વ નગરસેવિકાની મધ્યસ્થી બાદ બળાત્કારી યુવક પાસેથી રૃા.ચાર લાખ લઈને સમાધાન કરવામાં આવ્યું હતું. માજી નગરસેવિકા, પીડિતાના માતા, પિતા અને અન્યએ આ રકમ એકબીજામાં વહેંચી લીધી હતી.
નાલાસોપારાની હોસ્પિટલમાં કિશોરીની પ્રસુતી કરવામાં આવી હતી. તેણે બાળકને જન્મ આપ્યો હતો. આરોપીએ આ બાળક વેચી દીધું હતું.
ત્યારબાદ અન્ય એક યુવકે લગ્નનું વચન આપીને રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે ફરી પ્રેગનન્ટ બની હતી. અમરાવતીની હોસ્પિટલમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ યુવકે પણ રેખાને છોડી દીધી હતી.
આમ છેવટે તેણે કંટાળીને પોલીસના સંપર્ક કર્યો હતો. આચોળે પોલીસે કિશોરીના માતા, પિતા, બળાત્કાર ગુજારતા બંને યુવક, ભૂતપૂર્વ નગરસેવિકા, બાળક વેચનારે મહિલા સહિત ૧૬ આરોપી સામે કલમ ૩૭૬, ૩૭૬ (૨) (એન), ૩૧૭, ૩૬૩, ૩૭૨, ૩૪ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ અને જુવેનાઈલ જસ્ટિક એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તેમાંથી કેટલાકની અટકાયત પણ થઈ છે.