17 માળની પાર્કિંગ બિલ્ડિંગથી મુમ્બાદેવીનાં મંદિરની સુંદરતા ઘટશે
બ્યુટિફિકેશનના નામે અનેક હેરિટેજનો નાશ
1 સદીથી પણ વધુ જૂની દુકાનોનો ખ્યાલ નથી રખાયોઃ વિપક્ષ દ્વારા કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ
મુંબઈ : મુમ્બાદેવીના બ્યુટિફિકેશન પ્રોજેક્ટના નામે આસપાસનાં અનેક હેરિટેજ સ્ટ્રકચરનો નાશ થશે. મંદિરની બરાબર પાછળ ૧૭ માળની પાર્કિંગ બિલ્ડિંગ ઊભી કરવાની યોજના છે. તેના કારણે મંદિરની સુંદરતા તથા ભવ્યતામાં ઘટાડો થશે તેમ જણાવી વિપક્ષે મુમ્બાદેવી કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે.
મુંબઈનું નામ મુમ્બાદેવી પરથી જ પડયું હોવાનું મનાય છે. હવે રાજ્ય સરકારે શહેરના અત્યંત ગીચ વિસ્તારમાં આવેલાં આ મંદિર આસપાસની જગ્યા ખુલી કરાવી કાશી કોરિડોરના ધોરણે મુમ્બાદેવી કોરિડોરની રચના માટે ૨૨૦ કરોડનો બ્યુટિફિકેશન પ્રોજેક્ટ જાહેર કરાયો છે. આશરે નવ હજાર ચોરસ મીટરમાં રિડેવલપમેન્ટ તથા બ્યુટિફિકેશન હાથ ધરાશે તેમ સરકારે જાહેર કર્યું છે.
જોકે, શિવસેના યુબીટીએ આ કોરિડોર સામે વાંધો ઉઠાવ્યો છે. મંદિર વિસ્તારમાં સ્થાનિક નાગરિકો સાથે બેઠક બાદ આદિત્ય ઠાકરે સહિતના નેતાઓએ કહ્યું હતું કે વાસ્તવમાં આ પ્રોજેક્ટ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે છે.
પ્રોજેક્ટ માં મંદિર ટ્રસ્ટ અને ૧૫૦-૨૦૦ વર્ષથી ત્યાં આવેલા પરિવારોની દુકાનો ન ધ્યાનમાં લેવામાં આવી નથી સરકાર સ્થાનિક દુકાનદારોને દૂર કરવા અને હેરિટેજ-જૂની દુકાનો અને જૂની ઇમારતો પર તેમના કોરિડોર માટે બુલડોઝર ફેરવવા માંગે છે.
મંદિરની પાછળ શાળા માટે અનામત પ્લોટ છે. તેને બદલે ત્યાં ૧૭ માળની પાર્કિંગ બિલ્ડિંગ બનાવાશે. આથી મંદિરની સુંદરતા તથા ભવ્યતામાં ઝાંખપ આવશે.
સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોએ માંગ કરી છે કે મંદિરની પાછળના ડમ્પિંગ યાર્ડને તાત્કાલિક દૂર કરવામાં આવે, કાર પાકગની સુવિધા રદ કરવામાં આવે અને તેની જગ્યાએ મંદિર હોલ બનાવવામાં આવે અને ભક્તોના હિતોને ધ્યાનમાં લેવામાં આવે.
સ્થાનિક રહેવાસી આ મુદ્દાઓ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, એક સમયે ભક્તો દ્વારા ઉપયોગમાં લેવાતા નાના તળાવ સહિત મુંબાદેવીની મૂળ સુંદરતા નષ્ટ થઈ ગઈ છે.