મહારાષ્ટ્રમાં કોન્સ્ટેબલની 17 હજાર જગ્યા માટે 17 લાખ અરજી
1 જગ્યા માટે 101 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
ગ્રાઉન્ડ ટેસ્ટ સાથે ભરતી પ્રક્રિયાનો આજથી આરંભ, મોટી સંખ્યામાં યુવતીઓની પણ અરજી
મુંબઈ : મહારાષ્ટ્રમાં ૧૯ જૂનથી શરૃ થનારી કોન્સ્ટેબલની ૧૭,૪૭૧ જગ્યાઓ ભરવા માટેની ભરતી ઝુંબેશમાં ૧૭.૭૬ લાખ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ ભરતી અભિયાન કોન્સ્ટેબલ, ડ્રાઈવર, બેન્ડમેન, એસઆરપીએફ જવાનો અને જેલ સ્ટાફના પદો માટે છે. મોટી સંખ્યામાં યુવતીઓએ પણ અરજી કરી છે.
૯૫૯૫ કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે ૮,૨૨,૯૮૪ અરજીઓ મળી છે. જ્યારે ૧,૬૮૬ કોન્સ્ટેબલ ડ્રાઈવર પોસ્ટ માટે ૧,૯૮,૩૦૦ અરજીઓ મળી છે. ૧૮૦૦ જેલ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ૩,૭૨,૩૫૪ અરજીઓ અમને મળી છે. સરેરાશ એક પદ માટે ૧૦૧ અરજી તો જેલ વિભાગમાં પોસ્ટ દીઠ ૨૦૬ અરજી પ્રાપ્ત થઈ છે.
મીરા-ભાયંદર, વસઈ-વિરાર યુનિટમાં કોન્સ્ટેબલના ૨૩૧ પદ માટે ૮,૪૨૩ અરજીઓ મળી છે. જેમાં ૬૯૦૦ પુરુષો અને ૧૫૨૩ મહિલાઓ છે. થાણેમાં ૬૬૧ પોસ્ટ માટે ૩૮,૦૭૮ અરજીઓ મળી છે. જેમાં ૩૦,૧૫૫ પુરુષ તો ૭૯૨૩ મહિલાઓ છે. વધુમાં ડ્રાઈવરની ૨૦ સીટ્સ માટે ૧૫૨૭ અરજીઓ મળી છે. જેમાં ૧૪૦૮ પુરુષો અને ૧૧૯ મહિલાઓ છે. પાલઘરમાં ૫૯ પોસ્ટ માટે ૩૫૭૭ અરજીઓ તો નવી મુંબઈમાં ૧૮૫ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ૫૯૮૪ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
પદભરતીની પ્રક્રિયામાં શારિરીક પરીક્ષણો, લેખિત પરીક્ષાઓ, ઈન્ટરવ્યુનો સમાવેશ છે. રાજ્યભરના વિવિધ એકમોમાં ૧૯ જૂનથી ભરતી પ્રક્રિયા માટે ગ્રાઉન્ડ ટેસ્ટ શરૃ થશે. એવી શક્યતા છે કે એક ઉમેદવારને બે અલગ-અલગ જગ્યાએ ટેસ્ટ માટે બોલાવવામાં આવે. આથી ઉમેદવારોની વિનંતીને ધ્યાનમાં લઈ તમામ એકમોના પ્રભારીઓને અલગ તારીખો ટેસ્ટ માટે આપવા પણ આદેશ કરાયો છે. જોકે બે ટેસ્ટ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ચાર દિવસનો હોવો જોઈએ, એવો પણ આદેશ અપાયો છે.