Get The App

ધો.12માં ભણતી 16 વર્ષની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ, જાણો તેનું નવું લક્ષ્ય

આટલી નાની વયે એવરેસ્ટ સર કરનારી વિશ્વની બીજી તરુણી બની

હવેનું ટાર્ગેટ એન્ટાર્ટિકાનો માઉન્સ વિનસન માસીફ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ધો.12માં ભણતી 16 વર્ષની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ, જાણો તેનું નવું લક્ષ્ય 1 - image


Kamya kartikayen news | મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 16 વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક બની ગઇ છે. 

હવે શું છે કામ્યાનું લક્ષ્ય?  

12મા ધોરણની વિદ્યાર્થિની કામ્યા અને તેના પિતાએ 20મી મેના રોજ 8849 મીટર ઊંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હતું.  પુત્રી અને પિતા બંનેએ નેપાળથી પર્વતારોહણની શરૂઆત કરી હતી.  કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે ડિસેમ્બરમાં એન્ટાર્કટીકાના માઉન્ટ વિનસન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે. 

ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની સહાયથી પુત્રી અને પિતાએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ  સર કરવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઉન્ડેશનના ચેરમેન ચાણક્ય ચૌધરીએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે કામ્યાએ આટલી નાની ઉંમરે આભને આંબતી સિદ્ધિ હાંસલ કરી છે એ સહુને માટેે ગૌરવપ્રદ બાબત છે અને બીજાને માટે પણ તે પ્રેરણારૂપ બની રહેશે. પર્વતારોહણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને સફળતા મેળવવા બદલ તાજેતરમાં જ કામ્યાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

કામ્યા તેના પિતા અને પર્વતારોહકોની ટીમ સાથે છઠ્ઠી એપ્રિલે નેપાલના કાઠમંડુ પહોંચી હતી. ત્યાર પછી ધીરે ધીરેે નેપાલની બાજુથી પર્વતારોહણ શરૂ કર્યું હતું. 16મેએ તેમણે અંતિમ લક્ષ્ય હાંસલ કરવા આરોહણ શરૂ કર્યું હતું અને 20 મેના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરી ત્યાં ગર્વભેર ભારતનો ત્રિરંગો  ધ્વજ લહેરાવ્યો હતો. 'હિમાલય-પુત્રી'નું બિરુદ  આપી શકાય એવી કામ્યાએ માત્ર 7 વર્ષની ઉંમરે હિમાલયમાં પ્રવતારોહણની શરૂઆત કરી હતી. 2015માં આટલી નાની ઉંમરે તેણે 15 હજાર ફૂટ ઊંચું ચંદ્રશીલા શિખર સર કર્યું હતું. મે 2017માં તે 17600 ફૂટની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ-કેમ્પ સુધી પહોંચી હતી. આટલી નાની વયે એવરેસ્ટ બેઝ કેમપ સુધી પહોંચનારી દુનિયાની બીજી છોકરી તરીકેનું માન મેળવ્યું હતું. આમ એક પછી એક સિદ્ધિ હાંસલ કર્યા પછી 20 મેેના રોજ એવરેસ્ટ સર કરીને કામ્યાએ દેશ અને દુનિયામાં ડંકો વગાડી દીધો હતો. દક્ષિણ મુંબઈમાં આવેલી નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં જ્યારે સમાચાર પહોંચતાં જ સ્કૂલની વિદ્યાર્થિની કામ્યાએ એવરેસ્ટ આરોહણનો અનોખો વિક્રમ કર્યો છે ત્યારે સ્કૂલમાં આ સિદ્ધિને વધાવીને ઉજવણી કરવામાં આવી હતી.



Google NewsGoogle News