પુણેમાં ઈન્સ્ટાગ્રામ પર મળેલા 4 ફ્રેન્ડ દ્વારા 16 વર્ષની તરુણી પર બળાત્કાર
ચારેય દ્વારા અલગ અલગ રેપઃ વીડિયો પણ બનાવ્યો
કોલેજમાં જાતીય અપરાધો વિશે કાઉન્સેલિંગ ચાલતું હતું તે દરમિયાન વિદ્યાર્થિની ભાંગી પડી અને ઘટના બહાર આવી
મુંબઇ : પુણેની એક ૧૬ વર્ષની કોલેજની વિદ્યાર્થિની પર બે સગીર સહિત ચાર જણે અલગ-અલગ સ્થલે અલગ-અલગ પ્રસંગે કથિત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
સગીરાની ઓળખાણ આ ચારેય સાથે ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી. આ ઘટના બાદ પોલીસે બે સગીરને તાબામાં લીધા હતા જ્યારે ૨૦ અને ૨૨ વર્ષના બે યુવાનોની ધરપકડ કરી છે. પુણેની પીડિતાની આ ચારેય સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી ત્યારબાદ આ ચારેય જણે પીડિતા પર અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પ્રસંગોએ બળાત્કાર ગુજાર્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઇએ પોલીસને ટાંકતા જણાવ્યું હતું કે આરોપીઓ આપસમાં એકબીજાને ઓળખતા નહોતા. પરંતુ આ લોકોએ સોશિયલ મીડિયામાં કથિત રીતે પીડિતા સાથે અલગથી મિત્રતા કરી હતી. આરોપીઓએ એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે શહેરમાં વિવિધ સ્થળોએ પુણે સ્થિત આ કોલેજની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું હતું.
આ કથિત ઘટના કોલેજમાં આયોજિત જાતીય અપરાધો પરના એક કાઉન્સેલિંગ સત્ર દરમિયાન બહાર આવી હતી. પીડિતાની એક નજીકની કોલેજ મિત્ર આ સત્ર દરમિયાન અસ્વસ્થ જણાતી હતી. જ્યારે તેને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે આ બાબતે ખુલાસો કરતા કથિત પીડિતા પર થતા અત્યાચારની વાત જણાવી હતી. તેણે કાઉન્સેલરોને જણાવ્યું હતું કે આ ઘટનાને લીધે પીડિત વિદ્યાર્થિની જબરજસ્ત માનસિક આઘાતમાં સરી પડી છે. આ ઘટના બહાર આવ્યા બાદ કોલેજ સત્તાવાળાઓએ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ૨૪ સપ્ટેમ્બરના રોજ પોલીસે આ સમગ્ર પ્રકરણે ગુનો નોંધી કાર્યવાહી શરૃ કરી હતી.
આ બાબતે એક મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની તપાસમાં જાણવા મળ્યું હતું કે પીડિતા આ ચારે શંકાસ્પદોને મળી હતી. આરોપીઓ એકબીજાને ઓળખતા નથી. જો કે તેઓ બધા સોશિયલ મીડિયાની મદદથી પીડિતાને મળ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે ચારેયે અલગ-અલગ સ્થળે અને અલગ-અલગ પ્રસંગોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ એવો આરોપ પણ કર્યો હતો કે આરોપીઓ દ્વારા આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. તેથી કોરેગાંવ પોલીસે આરોપીઓ પર બળાત્કાર અને પોક્સો એકટની જોગવાઇઓ સાથે જ આઇટી એકટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યનો પોલીસ કમિશરને પત્ર
બળાત્કાર ગુજારાનારાઓમાં એક ડેપ્યુટી કલેક્ટરનો પુત્ર
પીડિતાના પિતા કોલેજમાં પ્રોફેસર છે, ટ્રસ્ટીઓ ભીનુ સંકેલવા દબાણ કરતા હોવાનો આરોપ
પુણેમાં ૧૬ વર્ષની કોલેજની વિદ્યાર્થિની પર ચાર જણે અલગ-અલગ સ્થળે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના માં એક આરોપી એક ડેપ્યુટી કલેક્ટરનો પુત્ર હોવાનો આક્ષેપ થયો છે.
આ સમગ્ર ઘટના બહાર આળતા પુણેના કસ્બાપેઠ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય રવિન્દ્ર ધંગેકરે પુણેના પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો.
આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે પીડિત કિશોરી એક પ્રોફેસરની પુત્રી છે. આ ઘટના બાદ પ્રોફેસરે આ બાબતની ફરિયાદ કોલેજના ટ્રસ્ટીઓને કરી હતી પણ તેમણે આ સમગ્ર પ્રકરણ દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો તેવો આરોપ કરી ધંગેકરે આ સમગ્ર ઘટનાની ઉંડી તપાસ કરવાની માગણી કરી હતી.
ધંગેકરે પત્રમાં એવો આરોપ કર્યો છે કે અત્યાચાર કરનારમાંથી એક ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી)નો પુત્ર છે અને સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે આ અધિકારીના આર્થિક હિતસંબંધ છે. તેથી કોલેજના ટ્રસ્ટીઓ આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પીડિતાના પિતા એવા પ્રોફેસર પર દબાવી લાવી રહ્યા છે. આ કેસમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંબંધિત ડેપ્યુટી કલેક્ટરની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ છે. પીડિતા અને આરોપીઓ એક જ કોલેજમાં ૧૧ અને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે.