મહારાષ્ટ્રમાં આ વર્ષના 5 મહિનામાં 16 વાઘના મોત
5 વાઘનાં મોતના કારણની હજુ તપાસ ચાલુ
2023માં રાજ્યમાં 51 વાઘના મોત, છેલ્લાં 7 વર્ષમાં 22 વાઘ વિદ્યુત કરંટનો ભોગ બન્યાં
મુંબઇ : મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી મેના પાંચ મહિના દરમ્યાન ૧૬ વાઘના મોત થયાની માહિતી જાણવા મળી છે. ગત વર્ષ ભરમાં રાજ્યમાં વિવિધ કારણસર કુલ ૫૧ વાઘના મૃત્યુ થયાં હતાં. વનમંત્રી સુધીર મુનગંટીવારે વિધાનસભામાં એક પ્રશ્નના લેખિતમાં આપેલાં જવાબમાં આ વાત સામે આવી છે.
રાજ્યમાં ખેતમાલની સુરક્ષા માટે ખેતરની આસપાસ બેસાડાયેલ વીજળીના તારને અડકતાં અનેક વાઘના મોત થયા હોવાના મુદ્દે અમુક વિધાનસભ્યોએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
રાજ્યમાં ૨૦૧૮થી મે ૨૦૨૪ દરમ્યાન વિદ્યુત પ્રવાહને કારણે ૨૨ વાઘના મોત થયાં છે. ૨૦૨૩માં રાજ્યમાં ૫૧ વાઘના મોત થયા હતાં. તેમાં ૨૬ નૈસર્ગિક રીતે, ૧૦ અકસ્માતમાં, બે વિષબાધાથી, ૯ વિદ્યુત પ્રવાહને કારણે તો ચાર વાઘના મોત શિકારીનો ભોગ બનવાને કારણે થયા હોવાનું જણાયું છે.
ચાલું વર્ષમાં જાન્યુઆરીથી મે ૨૦૨૪ દરમ્યાન ૧૬ વાઘના મૃત્યુ થયાનું નોંધાયું છે. તેમાં નૈસર્ગિક રીતે આઠ, અકસ્માતથી બે, વિદ્યુત પ્રવાહથી એક વાઘનું મોત થયું છે, જ્યારે પાંચ વાઘના મોતની તપાસ ચાલી રહી છે, એવી માહિતી અપાઈ છે.