ચુનાભઠ્ઠીમાં ભરબપોરે 16 રાઉન્ડ ફાયરિંગઃ નામચીન ગુંડાની હત્યા
- શહેરમાં ફરી એકવાર ગેંગવોર સક્રિય થયાની ચર્ચા
- બે હુમલાખોર ફિલ્મી સ્ટાઈલથી આડેધડ ગોળીઓ છોડી આસાનીથી ફરાર પણ થઈ ગયાઃ અન્ય ચાર ઘાયલ
મુંબઈ : મુંબઈના ચુનાભઠ્ઠીમાં આજે ધોળે- દહાડે ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં આ વિસ્તારના એક નામચીન ગુંડા પપ્પુ (સુમિત) યેરુણકરનું મોત થયું હતું. જ્યારે ચાર જણ ઘવાયા હતા. આ ચાર જણમાંથી ત્રણની હાલત ગંભીર છે જ્યારે આઠ વર્ષની એક બાળાને પણ હાથમાં ગોળી લાગી હતી.
આ ઘટના બાદ તમામ ઘાયલોેને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરબપોરે બનેલી આ ફિલ્મી સ્ટાઈલની ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો છે. અંગત અદાવતને કારણે આ વિસ્તારના નામચીન ગુંડા પપ્પુ યેરુણકર પર ફાયરિંગની ઘટના બની હોવાનું કહેવાય છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આજે બપોરે સાડા ત્રણ વાગ્યે ચુનાભઠ્ઠીની આઝાદ ગલ્લીમાં આ ઘટના બની હતી. લોકોની સતત અવરજવરને લીધે ભીડ- ભાડવાળા રહેતા આ વિસ્તારમાં અચાનક બે હુમલાખોરો ત્રાટકયા હતા અને યેરુણકર અને તેની સાથે હાજર લોકો પર ગોળીઓ છોડી હતી. આ લોકોએ કુલ ૧૬ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ ભાગી છૂટયા હતા. આ ઘટનામાં યેરુણકર સાથે અન્ય ચાર જણ ઘવાયા હતા. જેમાં આઠ વર્ષની એક બાળાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ તમામને પાસેની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં યેરુણકરનું મોત થયું હતુ ંજ્યારે અન્ય ત્રણ જણની હાલત ગંભીર છે.
આ ઘટના બાદ પોલીસના ધાડે- ધાડા ઘટનાસ્થળે ઉતરી પડયા હતા અને સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પપ્પુ યેરુણકર આ વિસ્તારનો એક નામચીન ગુંડો હતો અને આપસી દુશ્મનીને લીધે જ તેના પર હુમલો થયો હોવાનું કહેવાય છે. જોકે હુમલા પાછળનું ખરું કારણ જાણી શકાયું નથી. યેરુણકર પર વિવિધ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખંડણી અને હત્યાના પ્રયાસ વગેરેનો ે સમાવેશ થાય છે. આ પહેલાં તે ઘણીવાર જેલ જઈ આવ્યો છે. આ સિવાય યેરુણકરના ઘણા લોકો સાથે દુશ્મની હતી.
આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધારે તપાસ હાથ ધરી છે. સાથે જ ખબરી નેટવર્કને કામે લગાડી આરોપીઓની માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજતિલક રોશન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે બે વ્યક્તિઓ યેરુણકર અને તેના સાથીદારો પર ગોળીબાર કરી ભાગી છૂટયા હતા. આરોપીઓને પકડી પાડવા પોલીસની વિવિધ ટીમો બનાવી હોવાનું જણાવી તેમણે વધુ માહિતી આપવાનું નકાર્યું હતું.