નાતાલ વેકેશનમાં શિર્ડી સાઈ મંદિરને 16 કરોડનું દાન
દસ દિવસમાં 8 લાખ ભાવિકોએ દર્શન કર્યા
રજાના દિવસોમાં 11 લાખ લાડુના પેકેટ વેંચાતાં 1.41 કરોડની આવક થઈ
મુંબઈ : શિર્ડીના સાઈ મંદિરમાં દરરોડ હજારો ભાવિકો આવતાં હોય છે. જેઓ દિલ ખોલીને દાન કરતાં હોય છે. તાજેતરમાં નાતાલની રજામાં શિર્ડી આવેલાં ભક્તોએ સાઈચરણે લગભગ ૧૬ કરોડનું દાન કર્યું છે.
શિર્ડીના સાઈબાબા મંદિરે ૨૩ ડિસેમ્બર ૨૦૨૩થી ૦૧ જાન્યુઆરી ૨૦૨૪ ના ૧૦ દિવસમાં આઠ લાખ જેટલાં ભાવિકોએ હાજરી પૂરાવી હતી. જેમણે દાનપેટી, ઓનલાઈન દાન, પ્રસાદ ખરીદીના માધ્યમે કુલ ૧૫.૯૫ કરોડનું દાન સાઈને અર્પણ કર્યું હોવાની માહિતી સંસ્થાના અધિકારીઓ પાસેથી મળી હતી. આ દરમ્યાન ૩૨ લાખની કિંમત જેટલું અને ૭.૬૭ લાખની રકમ જેટલું ચાંદી પણ બાબાને અર્પણ થયું હતું.
આ સમય દરમ્યાન છ લાખથી વધુ ભાવિકોએ નિઃશુલ્ક પ્રસાદનો લાભ લીધો હતો. ૧૧.૧૦ લાખ લાડુના પેકેટ વેંચાયા હતાં. જેમાંથી ૧.૪૧ કરોડની આવક મંદિર પ્રશાસનને થઈ હતી. મંદિરમાં મળતાં આ દાનની રકમ સાઈબાબા હૉસ્પિટલ તથા સાઈનાથ હૉસ્પિટલ, સાઈપ્રસાદાલય નિઃશુલ્ક ભોજન, સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા બાહરી દર્દીઓના ચેરિટી તેમજ સાઈભક્તોની સુવિધા માટે કરાતી વ્યવસ્થાઓ માટે વાપરવામાં આવે છે.