Get The App

15 હજાર કરોડના મહાદેવ બેટિંગ એપ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
15 હજાર કરોડના મહાદેવ બેટિંગ એપ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને 1 - image


ડાબર જૂથના ડાયરેક્ટરો સહિતના આરોપીઓ સામે કેસ

અદાલતના આદેશ બાદ એપના પ્રમોટર સહિત 32 સામે માટુંગા પોલીસ મથકે કેસ દાખલ થયો હતો

મુંબઇ :  ૧૫ હજાર કરોડ રૃપિયાના મનાતા હાઇ-પ્રોફાઇલ મહાદેવ બેટિંગ એપ પ્રકરણની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ કેસની તપાસ માટુંગા પોલીસ દ્વારા કરવામાં આવતી હતી. આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા હવે આ પ્રકરણે વધુ ઉંડાણપૂર્વક તપાસ કરી શકાશે તેવું કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ સહિત કુલ ૩૨થી વધુ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ૧૪ નવેમ્બરના મુંબઈ પોલીસે આ પ્રકરણે ડાબરના ડાયરેક્ટર ગૌરવ બર્મન અને કંપનીના ચેરમેન મોહિન બર્મન સામે ગુનો નોંધ્યો હતો.

માટુંગાના સામાજિક કાર્યકર પ્રકાશ બનકરની ફરિયાદ બાદ કોર્ટના આદેશથી પોલીસે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ અને શુભમ સોની સામે છેતરપિંડી, બેટિંગ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. દરમિયાન ફરિયાદી બનકરે એવો આરોપ કર્યો હતો કે આ સમગ્ર કૌભાંડમાં લોકો સામે ૧૫ હજાર કરોડ રૃપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાથે જ આરોપીઓને હવાલાના માધ્યમથી પૈસા મળતા હોવાનો પણ આરોપ કર્યો હતો. મહાદેવ બેટિંગ એપ પ્રકરણે બોલીવૂડના અભિનેતા, ઉદ્યોગપતિઓ તેમ જ દાઉદ કનેક્શન બહાર આવતા આ સમગ્ર પ્રકરણ હાઇ પ્રોફાઇલ બની ગયું હતું. આ સમગ્ર પ્રકરણમાં હવાલાના માધ્યમથી પૈસાનો વહેવાર થયો હોવાના આરોપથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ આ પ્રકરણે તપાસ હાથ ધરી હતી.

આ પ્રકરણે ઈડીએ થોડા સમય પહેલા આવો ચોંકાવનારો દાવો પણ કર્યો હતો કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને ૫૦૮ કરોડ ચૂકવ્યા હતા. જોકે બઘેલે ઇડીના આ દાવાને નકારી કાઢ્યો હતો. આ પ્રકરણે છત્તીસગઢ પોલીસે અત્યાર સુધીમાં કુલ ૭૫ એફઆઇઆર નોંધી છે.

ગત પાંચમી  નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે ઈડીની વિનંતીથી મહાદેવ એપ સહિત ૨૨ ગેરકાયદે બેટિંગ પ્લેટફોર્મને બ્લોક કરતો આદેશ બહાર પાડયો હતો.



Google NewsGoogle News