નાંદેડમાં સબસલામતના દાવાઓ વચ્ચે 24 કલાકમાં છ નવજાત સહિત વધુ 15નાં મોત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
નાંદેડમાં સબસલામતના દાવાઓ વચ્ચે 24 કલાકમાં છ નવજાત સહિત વધુ 15નાં મોત 1 - image


- સરકારી  હોસ્પિટલ દવા તથા સ્ટાફના અભાવે દર્દીઓ માટે ડેથબેડ બની ગઈ 

- હોસ્પિટલમાં રોજ વિપક્ષી નેતાઓના ધાડાં ઉમટે છેઃ દર્દીના સ્વજને કરેલા પોલીસ કેસને બાદ કરતાં હોસ્પિટલ તંત્ર સામે સરકાર દ્વારા કોઈ પગલાં નહીં 

મુંબઈ : નાંદેડની સરકારી હોસ્પિટલમાં કાળચક્ર હજુ યથાવત છે. છેલ્લા ૨૪ કલાકમાં છ નવજાત શિશુ સહિત વધુ ૧૫ દર્દીનાં મોત થયાંનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં દવા, સ્ટાફ કે સાધનોની કોઈ અછત નથી તેવાં ગાણાં સરકારી તંત્ર દરરોજ ગાય છે પરંતુ વાસ્તવમાં હોસ્પિટલમાં રોજેરોજ ઉઠતી મરણપોક કોઈ જુદી જ ગવાહી આપે છે. 

નાંદેડ હોસ્પિટલમાં ગયાં સપ્તાહમાં ૨૪ કલાકમાં ૨૪ દર્દીના મોતનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ, રાજ્ય સરકારે સમગ્ર બનાવને ભારે હળવાશથી લીધો છે. સરકારે એક કમિટી દ્વારા તપાસની જાહેરાત કરી હતી પરંતુ તેના આધારે કોઈ પગલાં લેવાયાનું હજુ સુધી જણાયું નથી. એક દર્દીના સ્વજને કરેલી ફરિયાદના આધારે ડીન સહિત અન્યો સામે સદોષ માનવવધનો ગુનો પોલીસે નોંધ્યો છે. પરંતુ, સરકારી તંત્ર દ્વારાં લેવાયેલાં પગલાંની હજુ કોઈ માહિતી નથી. 

દરમિયાન, હોસ્પિટલમાં દરરોજ અસામાન્ય સંખ્યામાં મોત થઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ છ નવજાત સહિત ૧૫ દર્દીનાં મોત  નીપજ્યાં હોવાનું જાણવા મળે  છે. છેલ્લાં એક સપ્તાહમાં ૮૩ દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે તેમાંથી ૩૭ નવજાત શિશુઓ છે. 

હોસ્પિટલ તંત્ર એવો બચાવ કરી રહ્યું છે કે હોસ્પિટલમાં દવાઓની કોઈ અછત નથી પરંતુ મોટાભાગના દર્દીઓ છેલ્લા સ્ટેજના હોવાથી હોસ્પિટલમાં મૃત્યુ પામી રહ્યા છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળા ખુદ સ્વીકારે છે કે તેમને ત્યાં સ્ટાફની ઘટ છે અને તેની સામે કેસ ભારણ વધારે છે. 

રાજ્ય સરકાર નાંદેડ હોસ્પિટલમાં દવા, સ્ટાફ કે સાધનોની અછત હોવાનું સતત નકારતી રહી છે પરંતુ તેમ છતાં પણ રોજેરોજ મોટી સંખ્યામાં દર્દીઓ કેમ મૃત્યુ પામી રહ્યા છે તેનો જવાબ કોઈ પાસે નથી. 

દરમિયાન, આ હોસ્પિટલ વિપક્ષી નેતાઓ માટે દૈનિક મુલાકાતનું મથક બની ગઈ છે. રોજેરોજ કોઈને કોઈ વિપક્ષી નેતા હોસ્પિટલમાં આવે છે, દર્દીઓના સ્વજનોને મળે છે અને નિવેદનો આપીને રવાના થઈ જાય છે. 


Google NewsGoogle News