લિવ ઈન પાર્ટનર દ્વારા પ્રેયસીની હાજરીમાં તેના ૧૫ માસના બાળકની માર મારી હત્યા
- બંનેએ લાશ નાળામાં ફેંકી અને અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી
- યુવતી અગાઉ ઉડીસાથી પતિ તથા એક બાળકને છોડીને આવી હતી, બીજું બાળક સાથે રહે તે પ્રેમીને પસંદ ન હતું
મુંબઈ : મુંબઈમાં લીવ ઈન-રિલેશનમાં રહેતા એક પ્રેમીએ પ્રેમિકાના ૧૫ મહિનાના બાળકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું. આ ઘટના સમયે બાળકની નિષ્ઠુર માતા પણ હાજર હતી. આ ઘટના બાદ બાળકનો મૃતદેહ નાળામાં ફેંકી બન્નેએ પોલીસ સ્ટેશનમાં બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદન નોંધાવી હતી. જો કે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી આ કેસ ઉકેલી યુગલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બર્ન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવતા પોલીસે બન્નેને ૨૮મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
આરોપીઓની ઓળખ રાજેશ રાણા (૨૮) અને રિંકી દાસ (૨૩) તરીકે થઈ છે બન્ને મૂળ ઓડિશાના છે. આ સંદર્ભે પોલીસના જણાવ્યાનુસાર રિંકી અને રાજેશ બન્ને ચાર મહિના પહેલાં મુંબઈ આવ્યા હતા. તેમની સાથે રિંકીનું ૧૫ મહિનાનું બાળક પણ હતું. આ બન્ને અહીં આવી જોગેશ્વરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હતા. બાળકની હત્યાના બીજા દિવસે યુગલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયું હતું અને બાળક ગુમ થઇ ગયું હોવાથી અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રેમી રાજેશે જ પ્રેમિકા રિંકીના ૧૫ મહિનાના બાળકને માર-મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું અને અહીંના એક નાળામાં ફેંકી દીધું હતું.
આ બાબતે વધુ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે રાજેશ અને રિંકી બન્નેના આ અગાઉ પણ લગ્ન થયા હતા. રિંકીને પહેલા લગ્નથી એક બાળક થયું હતું. જો કે પહેલા પતિને છોડવાની સાથે તેણે બાળકને પણ પતિ પાસે છોડી દીધું હતું. પહેલા લગ્ન તૂટયા બાદ રિકી તેના કાકા તરફ આકર્ષાઈ હતી અને ગર્ભવતી બની હતી. આ ઘટનાની જાણ થતાં પંચાયત બોલાવવામાં આવી અને પંચાયત સામે કાકાએ રિંકી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પણ એક દિવસ કામ માટે બહાર જવાનું કહી કાકો ફરાર થઈ ગયો હતો.
બીજા બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ તે રાજેશના પ્રેમમાં પડી હતી. ત્યારબાદ બન્ને ભાગીને મુંબઈ આવી ગયા હતા. અહીં બીજાનું બાળક સાથે રહેતું હોવાનું રાજેશને ગમતું નહોતું. તેથી તે સતત બાળકની માર-ઝૂડ કરતો રહેતો. ઘટનાના દિવસે પણ રાજેશ બાળકની લાત-ઘૂસાથી જબરી મારપીટ કરી હતી. જેથી બાળકનું મોત થયું હતું. આ સમેય રિંકી ત્યાં જ હાજર હતી છતાં તેણે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. અંતે આ હત્યાની જાણ કોઈને ન થાય તે માટે બાળકને નાળામાં ફેંકી દીધું હતું. પોલીસ એ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી બન્નેને ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા.