લોકલમાં વિસરાયેલ 15 લાખના દાગિના પ્રવાસીને પાછા મળ્યાં
આરપીએફ અને જીઆરપીની મહેનત રંગ લાવી
ટ્રેનમાં ભૂલાયેલ દાગિના અન્ય પ્રવાસીએ સરકાવી લીધાં, પરંતુ
રેલવે પોલીસ સગડ મેળવી આરોપીના ઘરે પહોંચી ગઈ
મુંબઈ : ઉતાવળમાં ટ્રેનમાંથી ઉતરવા જતાં કોઈ કિંમતી વસ્તુ લોકલમાં ભૂલાઈ જાય તો તે મળવાની શક્યતા ઘટી જતી હોય છે. પરંતુ લોકલ ટ્રેનમાં વિસરાયેલ ૨૭૨ ગ્રામ વજનના સોનાના દાગિના રેલવે સુરક્ષા બળ અને રેલવે પોલીસની મદદથી એક પ્રવાસીને પાછા મળતાં તેની દિવાળી સુધરી ગઈ છે.
અંબરનાથ-સીએસએમટી ફાસ્ટ લોકલમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીએ દાગિનાનું પેકબંધ પ્લાસ્ટિકનું બોક્સ સામાનના રેક પર મૂક્યું હતું. બોક્સ પર તેણે ૨૦૨ ગ્રામ એવી નિશાની કરી હતી. કુર્લા રેલવે સ્ટેશને ભીડ ઓછી થતાં તે પ્રવાસી સીટ પર બેઠો અને ભાયખલા ઊતરી ગયા બાદ તેને ધ્યાનમાં આવ્યું કે તેનું સોનાના દાગિનાનું બોક્સ ટ્રેનમાં જ રહી ગયું. જેની કુલ કિંમત ૧૫.૧૫ લાખ જેટલી હતી. પ્રવાસીએ તુરંત ભાયખલાના સ્ટેશન માસ્ટરનો સંપર્ક સાધ્યો. લોકલ સીએસએમટીથી પાછી આવી ત્યારે તેમાં બોક્સ ન દેખાતાં તેમણે સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
ફરિયાદ બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) સાથે રેલવે પોલીસની ટીમે દાગિના શોધવાના શરુ કર્યા. થોડા દિવસની તપાસ બાદ અંબરનાથના આરોપી હુસૈનના ઘરે રેલવે પોલીસ પહોંચી ગઈ અને તેની પૂછપરછ કરતાં જ તેણે બોક્સ પોતાની પાસે રાખી લીધું હોવાનું કબૂલ્યું હતું. આારપીએફ અને જીઆરપીની સંયુક્ત કામગિરીને લીધે થોડાં દિવસમાં જ પોતાના લાખોના દાગિના મળતાં પ્રવાસીની દિવાળી સુધરી ગઈ હતી.