મહાબળેશ્વરમાં 15, માથેરાનમાં 19.2 ડિગ્રીઃ આછેરી ઠંડી સાથે ધુમ્મસ પ્રસર્યું
રાજ્યમાં શિયાળાના વહેલા આગમનના સંકેત
નાસિક, કોલ્હાપુરમાં પણ તાપમાનમાં ઘટાડો, જોકે, મહારાષ્ટ્રમાંથી હજુ ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી નથી
મુંબઇ : 2024 ના નૈઋત્યની વર્ષા ઋતુએ હજી મુંબઇ સહિત ભારતમાંથી વિદાય નથી લીધી. બીજીબાજુ મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આછેરી ઠંડીનો ગમતીલો અનુભવ થઇ રહ્યો હોવાના સમાચાર મળે છે. જાણે કે શિયાળાના વહેલા આગમનનો અણસાર મળ્યા છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે ૨૦૨૪ના નૈઋત્યના ચોમાસાની વિદાયની કુદરતી પ્રક્રિયા ૧૯ થી ૨૫, સપ્ટેમ્બર દરમિયાન ઇશાન ભારતમાંથી તબક્કાર થાય તેવાં સાનુકુળ પરિબળો છે. મુંબઇમાંથી મેઘરાજાની વિદાય લગભગ ૮, ઓક્ટોબરે થવાની સંભાવના છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ગિરિમથક મહાબળેશ્વરમાં આજે લઘત્તમ તાપમાન ૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું કૂલ કૂલ નોંધાયું હતું , જ્યારે મહત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. જાણે શિયાળો. આજે માથેરાનમાં લઘુત્તમ તાપમાન ૧૯.૨ ડિગ્રી જેટલું આછેરું ઠંડુ નોંધાયું હતું , જ્યારે મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મહાબળેશ્વરના ગિરિ મથકમાં તો વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ ફેલાયેલું રહે છે. ધુમ્મસને કારણે પર્યટન સ્થળ અને તેની નજીકના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડીનો માહોલ રહેતો હોય છે.
મહાબળેશ્વર રાજ્યનું વિશ્વ પ્રસિદ્ધ હિલ સ્ટેશન હોવાથી ચોમાસાની વિદાય અને નવ રાત્રિના શુભ આગમનના તબક્કે અહીં શિયાળો જાણે કે વહેલો બેસી ગયો હોય તેમ વાતાવરણમાં આછેરી ઠંડક અનુભવાય છે.
મહાબળેશ્વરમાં ૨૦૨૪ના ચોમાસામાં આજ દિવસ સુધીમાં ૬,૩૨૫.૦ મિલિમીટર(૨૫૩.૦ ઇંચ) જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે. વર્ષા ઋતુમાં અહીં પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલતું હોવાથસહેલાણીઓ અહીં ઉમટી પડે છે.
૨૦૨૪ની વર્ષા ઋતુમાં માથેરાનમાં આ જ દિવસ સુધીમાં ૫,૪૭૨ મિ.મિ.(૨૧૮.૮૮ ઇંચ) જેટલી ચોધાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે છેલ્લા થોડા દિવસથી માથેરાન, સાતારા, સાંગલી, કોલ્હાપુર, જેઉર, નાશિક વગેરે વિસ્તારમાં પણ વહેલી સવારે ટાઢોડાનો મજેદાર અનુભવ થાય છે. લઘુત્તમ તાપમાનનો પારો નીચો ઉતર્યો છે.
આજે સાતારામાં લઘુત્તમ તાપમાન ૧૯.૦ ડિગ્રી, સાંગલી -- ૨૦.૩, કોલ્હાપુર --૨૦.૪ ડિગ્રી, જેઉર --૨૦.૫, નાશિક --૨૧.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૫ અને લઘુત્તમ તાપમાન ૨૬.૧ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૩ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હાલ નૈઋત્યનું ચોમાસુ અરબી સમુદ્રમાં થોડું મંદ બન્યું છે. જોકે પવનો હજુ નૈઋત્યના અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.હાલ રાજસ્થાન અને તેની નજીકના ગગનમાં ૫.૮ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે.