મુંબઈ આસપાસમાં 1 માસમાં ડૂબી જવાથી 15નાં મોત
ચોમાસાની મજા કરુણાંતિકામાં ફેરવાઈ
ગઇ 21મી જૂને મુંબઇના 4 વિદ્યાર્થી પોખરવાડી ડેમમાં ડૂબી ગયા હતા
મુંબઇ - લોનાવલાના ભૂશી ડેમમાં રવિવારે એક જ પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આવી રીતે મોનસૂનની મજા માણવા જતા મુંબઇ આસપાસના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ૧૫ જણ ડૂબીને માર્યા ગયા હતા. આમાં ગઇ ૨૧મી જૂને પોખરવાડી ડેમમાં ડૂબી ગયેલા મુંબઇના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ંબરનાથ-બદલાપુર પાસેના કોંડેશ્વર ધોધમાં ગુરૃવારે અનુપ મિશ્રા નામના ૨૨ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં કલ્યાણના રિંગ રોડ પર મિત્રો સાથે કૂવામાં નાહવા પડેલા ૧૧ વર્ષનો કિશોર ડૂબી ગયો હતો.
ચોમાસુ બેઠા પછી રાયગઢ જિલ્લામાં સાત સગીરો સહિત ૧૩ જણ ડૂબીને મૃત્યુ પામ્યા હતા. ઉરણ, અલિબાગ, કાશીદ બીચ અને માણગાંવમાં દરિયામાં તળાવમાં અને નદીમાં ડૂબવાથી પર્યટકોએ જીવ ગુમાવ્યો હતો.
પ્રતિબંધને અવગણીને પર્યટકો નાહવા જાય છે
અલિબાગ, કાશીદ સહિત રાયગઢ જિલ્લાના તમામ બીચ ઉપર ચોમાસામાં પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવી મુંબઇના ધોધ સહિત અનેક ધોધમાં નાહવાની ઉપર પ્રતિબંધ મૂકાયો છે. આમ છતાં કેટલાય ટુરિસ્ટો પ્રતિબંધની અવગણના કરીને જોખમ લેતા હોય છે.
મુખ્ય સી-બીચ પર પ્રતિબંધ હોય ત્યારે કેટલીય વાર સાહસિક યુવાનો દૂરના નિર્જન દરિયા કિનારે જઇ ચોમાસામાં તોફાની બનતા દરિયામાં નાહવાની મજા લેતા હોય છે. આને લીધે ઘણી વાર અકસ્માતો થાય છે.