5 હજાર કરોડનું રોકાણ લાવવાની લાલચ આપી 15 કરોડની છેંતરપિંડી
એક આઈટી કંપનીની અન્ય આઈ ટી કંપની સામે ફરિયાદ
મોરેશિયસની કંપનીના બોગસ ઈમેઇલ તથા બોગસ પેમેન્ટ મેસેજીસ પણ રજૂ કર્યા
મુંબઇ : નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહેલા મુંબઇ સ્થિત એક આઇટી જૂથની કંપનીઓના ચેરમેને મહારાષ્ટ્રની એક અન્ય આઇટી કંપનીના એમડી સામે જંગી રોકાણ લાવી આફવાની આડમાં ૧૫ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવા બદલ ફોજદારી નોંધાવી છે.
આ સંદર્ભે આઇટી કંપનીના ચેરમેને કફપરેડ પોલીસ સ્ટેશનમાં એમડી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવ્યા બાદ આ કેસ વધુ તપાસ માટે આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ તેમની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેમની કંપનીમાં પાંચ હજાર કરોડનું રોકાણ લાવવાની ખાતરી આપી હતી અને શરૃઆતમાં રૃા. ૮૫૦ કરોડનું ારોકાણ લાવી આપવાની બાંહેધરી આપી હતી. આ માટે એગ્રીમેન્ટ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે આરોપીએ પાછળથી ફરિયાદીને માર્જીન મની તરીકે ત્રણ કરોડ રૃપિયા ઉપરાંત ૧.૫ મિલિયન ડોલર (અંદાજે રૃા. ૧૨.૪૭ કરોડ)ની રકમની પોતાની કંપનીની ઇક્વિટીમાં રોકાણ કરવા વિનંતી કરી હતી.
ફરિયાદી અનુસાર કથિત ફ્રોડની આ ઘટના નવેમ્બર ૨૦૧૮થી જૂન ૨૦૨૩ દરમિયાન બની હતી. આ બાબતે એફઆઇઆર દાખલ કરવા પૂર્વે પોલીસે પ્રાથમિક તપાસ (પીઇ) હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ફરિયાદીને કંપનીને મોરેશિયસની એક બેંકના સંખ્યાબંધ ઇ-મેલ પ્રાપ્ત થયા હતા જેમા મોટી રકમની ચૂકવણી પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી હતી. ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે આરોપી મોરેશિયસની બેંકના બનાવટી આઇડી બનાવ્યા હતા અને તેમને અનેક પ્રસંગોએ બનાવટી દસ્તાવેજો આવ્યા હતા.
આ સિવાય પેમેન્ટ ટ્રાન્ઝકેશનનો સંદર્ભ આપતા એમટી ૧૦૩ મેસેજો જે આરોપીએ પુરા પાડયા હતા તે પણ બનાવટી હોવાનું જણાયું હતું. એમટી- ૧૦૩એ પ્રમાણભૂત સ્વિફ્ટ ચૂકવણી સંદેશ છે જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર માટે થાય છે અને વૈશ્વિક સ્તરે ચૂકવણીના પુરાવા તરીકે ઓળખાય છે. ખાતરી આપવા છતા ફરિયાદીની કંપનીને આરોપી પાસેથી કોઇ ભંડોળ મળ્યું નહોતું. ફરિયાદીએ પોલીસને ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપીએ શરૃઆતથી જ અપ્રમાણિક ઇરાદાઓ રાખ્યા હતા હાલ આ કેસની તપાસ મુંબઇ પોલીસની આર્થિકગુના શાખા કરી રહી છે.