હેર કંડિશનર અને બોડી વોશની બોટલોમાં 15 કરોડનું કોકેન છૂપાવાયું
મુંબઈ એરપોર્ટ પર કેન્યાની મહિલા ચેકિંગમાં ઝડપાઈ
એરપોર્ટ પર ડ્રગ પકડાવાનો સિલસિલો યથાવતઃ કોને ડિલિવરી આપવાની હતી તે અંગે તપાસ
મુંબઇ : ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ રૃા.૧૫ કરોડના કોકેન સાથે કેન્યાની મહિલાની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
આ વિદેશી પ્રવાસીના સામાનમાં હેર કંડિશનર અને બોડી વૉશની બોટલોમાં ડ્રગનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
ડીઆરઆઇ અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે મુંબઇ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. નૈરોબીથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવી હતી. તેના સામાનની તપાસણી કરવામાં આવી હતી. દરમિયાન એક હેર કંડિશનરની બોટલ અને બોડી વૉશ બોટલની અંદર સફેદ પાવડરના પેકેટ મળી આવ્યા હતા. આ સફેદ પાવડરની તપાસ કરતા કોકેન હોવાનું માલૂમ પડયું હતું.
આમ ડીઆરઆઇની ટીમે રૃા.૧૪.૯૦ કરોડની કિંમતનો ૧,૪૯૦ ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું.
આ મહિલા પ્રવાસીની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
આ ડ્રગ્સ સપ્લાયની લિંક શોધવા વધુ તપાસ ચાલી રહી છે. મહિલા કોકેન કોને આપવાની હતી અને ગુનામા સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે.
તાજેતરમાં મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જુદા જુદા સર્ચ ઓપરેશનમાં કરોડો રૃપિયાનો નશીલો પદાર્થ કબજે કરાયો છે આ કાર્યવાહી વખતે અનેક પ્રવાસીને પકડવામાં આવ્યા છે.